ગુજરાત
News of Wednesday, 13th June 2018

વડોદરાના અનગઢમાં ડોક્ટરની કામલીલા મામલે ઉપસરપંચ અને અન્ય અેક શખ્સની પૂછપરછઃ બે શખ્સોની શોધખોળઃ ડોક્ટરને ઝડપી પાડવા દવાના બોક્સમાં કાણુ પાડીને કમ્પાઉન્ડરે મોબાઇલ ફોન ગોઠવી દીધો હતો

વડોદરાઃ વડોદરાના અનગઢ ગામે મહિલા દર્દીઓ સાથે શારીરિક અડપલા કરીને વીડિયો વાયરલ કરનાર તબીબ સામે પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ કેસમાં પોલીસને વીડિયો વાયરલ કરવાના ગુનામાં ગામના નાયબ સરપંચ સહિત ચાર લોકોની સક્રિય ભૂમિકા હોવાની માહિતી મળી છે. પોલીસે ડોક્ટરની કામલીલાને મોબાઇલ ફોનમાં કંડારનાર કમ્પાઉન્ડરની આકરી પૂછપરછ કરતા આ કેસમાં અનેક ખુલાસા થયા છે. નંદેસરી પોલીસે આ કેસમાં નાયબ સરપંચ મહેન્દ્ર ગોહિલ અને વિક્રમ શર્માની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. આ કેસમાં પોલીસ જસવંત ઉર્ફે ટીકો ગોહિલ અને ગોપાલ જાડેજા નામના બે વ્યક્તિની શોધખોળ કરી રહી છે.

કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે પોલીસને પૂછપરછમાં ખુલાસો કર્યો હતો તેને શંકા ગઈ હતી કે ડોક્ટર મહિલાઓ સાથે શારીરિક સંબંધો ધરાવે છે. ડોક્ટર તેને અવાર નવાર અંદરના રૂમમાં ન આવવાની કડક સૂચના આપતા તેની માન્યતા વધારે દ્રઢ બની હતી. આથી ડોક્ટરને ઝડપી પાડવા માટે તેણે દવાના બોક્ષમાં કાણું પાડીને તેમા મોબાઇલ ફોન ગોઠવી દીધો હતો. આવી રીતે કમ્પાઉન્ડરે અલગ અલગ મહિલાઓ સાથે ડોક્ટરની કામલીલા પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

દિલીપ ગોહિલે પૂછપરછમાં જણાવ્યું હતું કે તે પોતાની પાસે રહેલા ડોક્ટરના વીડિયોનો ઉપયોગ પૈસા પડાવવાના હથિયાર તરીકે કરવા માંગતો હતો. આથી જ તેણે પોતાના મોબાઇલમાં વીડિયો મૂકી રાખ્યા હતા. પોતાના લગ્ન વખતે તેણે ડોક્ટરને આ વીડિયો બતાવીને રૂ. 1.5 લાખની માંગણી કરી હતી, પરંતુ ડોક્ટરે તેને રૂ. 50 હજાર જ આપ્યા હતા. બાદમાં દિલીપે અવાર નવાર ડોક્ટર પાસે વધારાના એક લાખ આપવાની માંગણી કરી હતી.

દિલીપ ગોહિલની ધમકી બાદ પણ ડોક્ટરે પૈસા ન આપતા કમ્પાઉન્ડરે આ ક્લિપિંગ નાયબ સરપંચ મહેન્દ્ર ગોહિલ સહિત અન્ય ચાર વ્યક્તિઓને આપી દીધા હતાં. બાદમાં આ વીડિયો વાયરલ થઈ ગયા હતા. બાદમાં કેટલાક માથાભારે વ્યક્તિઓએ ડોક્ટર પ્રતિક જોશીનું અપહરણ કરીને તેને એક ફાર્મહાઉસમાં ગોંધી રાખી પૈસા પડાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે નાયબ સરપંચ પણ ફાર્મહાઉસ ખાતે હાજર હતો.

આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદથી ડોક્ટર પ્રતિક જોશી ફરાર થઈ ગયો છે. બીજી તરફ પોલીસે સોમવારે તેના ક્લિનિક પર દરોડા પાડીને દવા તેમજ ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થાને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવશે.

(6:27 pm IST)