ગુજરાત
News of Saturday, 14th May 2022

નવસારીના અમલસાડી ચીકુની ડિમાન્‍ડ ઘટીઃ અસહ્ય ગરમીને કારણે ખેડૂતોની હાલત કફોડી

પ્રતિ મણની કિંમત માત્ર 150થી 250 થતા વેપારીઓને લાખોનું નુકશાન

નવસારીઃ ગ્‍લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે અસહ્ય ગરમીને કારણે કેરી બાદ હવે ચીકુની ડિમાન્‍ડ ઘટતા ખેડૂતોની મુશ્‍કેલીમાં વધારો થયો છે. નવસારીના અમલસાડીના ચીકુની અન્‍ય રાજ્‍યમાં નિકાસ થાય છે. ગરમીને કારણે ઉત્‍પાદન પર અસર પડતા હાલ પ્રતિ મણના ભાવ 150થી 250 થતા ખેડૂતોની હાલત દયનીય બની છે.

વાતાવરણમાં વધેલી અસહ્ય ગરમીએ કેરી ખાટી કર્યા બાદ ચીકુના ખેડૂતોને પણ રાતા પાણીએ રડાવ્યા છે. છેલ્લા એક મહિનામાં ચીકુની ડિમાન્ડ 90 ટકા ઘટી છે. જેને કારણે ચીકુના ભાવ પ્રતિમણ 150 થી 250 સુધી જ મળી રહ્યા છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. સામે વેપારીઓને પણ ઓછી આવક સામે લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

બાગાયતી જિલ્લા નવસારીના અમલસાડી ચીકુની ડિમાન્ડ સમગ્ર ભારતમાં છે. અહીંથી રોજના હજારો મણ ચીકુ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, દિલ્હીના મુખ્ય બજારોમાં પહોંચે છે. વર્ષે દરમિયાન અમસાડ માર્કેટમાંથી પોણા બે લાખ મણ ચીકુની આવક થાય છે. જેમાં શિયાળામાં ચીકુનો ભાવ પ્રતિ મણ 1200 રૂપિયા સુધી પહોંચે છે. જ્યારે ઉનાળામાં ભાવ 550 રૂપિયા સુધી જાય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે પડી રહેલી અસહ્ય ગરમીએ ચીકુના ઉત્પાદન સાથે જ બજાર ઉપર પણ મોટી અસર પડી છે. જેને કારણે હાલ ચીકુના ભાવ ગગડીને પ્રતિ મણ 150 થી 250 રૂપિયા મળી રહ્યા છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ઝાડ પરથી ચીકુ ઉતારવાની મજૂરી વધવા સાથે પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોને કારણે ટ્રાન્સપોર્ટ પણ મોંઘું પડી રહ્યુ છે. જેથી ચીકુના ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કેરી અને ચીકુના પાકનો પણ સમાવેશ કરવામાં આવેની માંગણી કરી રહ્યા છે.

અમલસાડ માર્કેટ યાર્ડમાંથી ભારત ભરમાં ચીકુનો વેપાર કરતા વેપારીઓની સ્થિતિ પણ ગરમીને કારણે કફોડી બની છે. જ્યાં ચીકુની આવક 10 હજાર મણ હતી, ત્યાં આજે 4 થી 5 હજાર મણ ચીકુ આવી રહ્યા છે. બીજી તરફ અમસલાડથી ભારતભરમાં ચીકુ મોકલતા વેપારીઓ ડિમાન્ડ 90 ટકા ઘટી હોવાનું જણાવી રહ્યા છે. જ્યાં એક હજાર બોક્ષ મંગાવાતા હતા, ત્યાં વેપારીઓ ફક્ત 50 થી 100 બોક્ષ જ મંગાવી રહ્યા છે. કારણ ટ્રાન્સપોર્ટમાં ત્રીજા દિવસે ચીકુ ગંતવ્ય પર પહોંચે છે. ચીકુ બોક્ષમાં ભર્યા બાદ તાડપત્રીવાળી ટ્રકમાં ભરીને મોકલવામાં આવે છે. જેને કારણે બજારમાં પહોંચે એ પૂર્વે જ 20 થી 30 ટકા ચીકુ બગડી જાય છે અને જો 4-5 દિવસ થાય તો ચીકુ ખાટા થવા સાથે જ તેને ફેંકી દેવા પડે છે. જેના કારણે ચીકુની ડિમાન્ડ ઓછી થઈ છે અને ભાવ પણ ગગડી જતા વેપારી અને ખેડૂતો બંનેએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે ખેતી સિસ્ટમ પર મોટી અસર થઈ રહી છે. ગત વર્ષોમાં ઠંડી વધુ પડતા ખેડૂતો નુકશાની વેઠીને પણ થોડી આવક મેળવતા હતા. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થયેલી આકરી ગરમીને કારણે બાગાયતી પાકોના ઉત્પાદન પર મોટી અસર પાડી છે. જેમાં બારેમાસ થતા ચીકુ જેને ગરમી માફક નથી આવતી, તેમાં ગરમીને કારણે મોટું નુકસાન ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલી વધારી છે.

(5:35 pm IST)