ગુજરાત
News of Saturday, 14th May 2022

૩૩.૬% શહેરી, ૪૬.૭% ગ્રામ્‍ય પુરૂષો તમાકુના બંધાણી

ગુજરાતમાં વ્‍યસનખોરીના ચોંકાવનારા આંકડાઃ નેશનલ ફેમીલી હેલ્‍થ સર્વેનું આંખ ખોલનારૂ તારણ : NFHSના ચોંકાવનારા આંકડા-મહિલાઓમાં પણ શહેરમાં ૫.૪ ટકા અને ગ્રામ્‍યમાં ૧૧ ટકા તમાકુના વ્‍યસનનું પ્રમાણઃ કેન્‍સર હોસ્‍પિટલમાં સ્ત્રી અને પુરુષમાં તમાકુ સંબંધિત કેન્‍સરનું પ્રમાણ ૪૪.૯૯ ટકાઃ ડો.આનંદ શાહ

અમદાવાદ, તા.૧૪: સમગ્ર ગુજરાતમાં વ્‍યસન મુક્‍તિ ઝુંબેશ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હોવા છતાં પંદર વર્ષથી વધુ વય ધરાવતા હોય તેવા વ્‍યક્‍તિઓમાં તમાકુના વ્‍યસનનું પ્રમાણ ચોંકાવનારૂ હોવાનું નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેમાં જણાયું છે. નેશનલ હેલ્‍થ ફેમિલી હેલ્‍થ સર્વે (૫૧૧૧૫) મુજબ રાજયના શહેરી વિસ્‍તારમાં પુરુષોમાં આ પ્રમાણ ૩૩.૬ ટકા અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૪૬.૭ ટકા જેટલું પ્રમાણ છે. તો મહિલાઓ પણ તમાકુના વ્‍યસનનું પ્રમાણ નોંધપાત્ર છે. મહિલાઓમાં આ પ્રમાણ શહેરી વિસ્‍તારમાં ૫.૪ ટકા અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૧૧.૦ ટકા છે. શહેરી અને ગ્રામ્‍ય એમ બન્ને વિસ્‍તારમાં તમાકુ-સિગારેટનું વ્‍યસન મોટા પ્રમાણમાં હોવાથી તમાકુને કારણે થતા કેન્‍સરના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે. ગુજરાત કેન્‍સર રિસર્ચ ઈન્‍સ્‍ટીટ્‍યૂટ ખાતે કેન્‍સરના દર્દીઓમાં તમાકુ સંબંધિત કેન્‍સરનું સરેરાશ પ્રમાણ ૪૪.૯૯ ટકા છે. નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે ૨૦૧૯-૨૦ મુજબ ગુજરાતમાં તમાકુ અને તેની બનાવટની વસ્‍તુ ખાવાનું પ્રમાણ ખૂબ મોટુ છે. શહેરી વિસ્‍તારમાં એર્કદરે જાગૃતિનું પ્રમાણ વધુ હોવાનું કહેવાતા છતાં ૩૩.૬ ટકા જેટલા પુરુષ કોઇપણ રીતે તમાકું ખાતા હોય છે કે સિગારેટ પીતા હોય છે. તો ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ આ પ્રમાણ ૪૬.૭ ટકા જેટલું મોટું હોવાથી આવકનો એક હિસ્‍સો પણ આ વ્‍યસન પાછળ ખર્ચાઇ રહ્યો છે. સ્ત્રીઓમાં સરેરાશ ૮.૭ ટકા અને પુરુષોમાં ૪૧.૧ ટકા જેટલા તમાકુ- સિગારેટના વ્‍યસની છે.
 સિવિલની કેન્‍સર હોસ્‍પિટલના ડો.આનંદ શાહના કહેવા મુજબ કેન્‍સરે રીલેટેડ ટોબેકોના કારણે હોઠ, જીભ, મ્‍હોં,ફેફસા, મૂત્રાશયના કેન્‍સર સહિતના વિવિધ કેન્‍સરને ગણવામાં આવે છે.જેનું ગુજરાત કેન્‍સર રિસર્ચ ઇન્‍સ્‍ટીટ્‍યૂટ (જીસીઆરઆઈ) ખાતે પુરુષોમાં સરેરાશ ૯૦.૧૫ ટકા અને મહિલાઓમાં ૨૦.૯૪ ટકા જેટલું પ્રમાણ નોંધાયું છે. જેમાં જીભ અને મ્‍હોમાં વિવિધ પાર્ટમાં થતા કેન્‍સરની ટકાવારી સૌથી વધુ છે. કેન્‍સર હોસ્‍પિટલમાં ગુજરાત અને રાજય બહારના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે. તો અમદાવાદમાં ટોબેકો રિલેટેડ કેન્‍સરમાં પુરુષોમાં ૫૬.૧૦ અને મહિલાઓમાં ૧૮.૫૯ ટકા પ્રમાણ છે. જીસીઆરઆઇમાં સ્ત્રી અને પુરુષમાં સરેરાશ નોંધાતા તમાકુ સંબંધિત કેન્‍સરનું પ્રમાણ ૪૪.૯૯ ટકા જેટલું થવા જાય છે.
ડો. શાહે ગુજરાત અને અન્‍ય રાજયમાં થતા કેન્‍સરના તફાવત વિશે મહત્‍વની વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં જે તમાકુ સંબંધિત કેન્‍સર થતા હોય છે તેમાં ખાવાની તમાકુ ચ્‍યિઇંગ ટોબેકો)ના કારણે હોય છે, જયારે અન્‍ય રાજયમાં તમાકુ સંબંધિત કેન્‍સર સિગારેટ-બીડી એટલે કે સ્‍મોર્કિંગના કારણે વધુ જોવા મળે છે. ગુજરાતમાં તમાકુ ખાવાનું પ્રમાણ અન્‍ય રાજયની સરખામણીમાં ખૂબ મોટું છે.
મ્‍હો-ગળાના કેન્‍સરના દર્દીઓમાં યુવાઓનુ વધતુ પ્રમાણ ચિંતાજનક
અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાં આવેલી કેન્‍સર હોસ્‍પિટલના ડાયરેકટર ડો. શશાંક પંડ્‍યાએ આ પ્રમાણને ચિંતાજનક ગણાવતા કહ્યું હતું કે, શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તાર બન્નેમાંથી મોટા પ્રમાણમાં તમાકુના કારણે થતા મ્‍હોં અને ગળાના કેન્‍સરના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ખાસ કરીને યુવાઓમાં આ પ્રમાણ વધી રહ્યું છે તે તેના કરતા પણ વધુ ચિંતાજનક બાબત છે. તમાકુના વ્‍યસનથી ફક્‍ત કેન્‍સર જ નહીં, પરતુ સિગારેટ પીવાથી ફેફસાં અને હૃદયને લગતા રોગ પણ થાય છે.  છે. શહેરી કરતા ગ્રામ્‍ય વિસ્‍તારની શ્રમિક વર્ગની મહિલાઓમાં કેન્‍સરનું પ્રમાણ વધુ હોવાનું પણ તેમણે જણાવ્‍યું હતું.

 

(3:47 pm IST)