ગુજરાત
News of Saturday, 14th May 2022

કાળઝાળ ગરમીમાં એસી અને એર કુલરની ડીમાંડમાં ખૂબ મોટો ઉછાળો: વેચાણ વધ્યું

અમદાવાદમાં ઉનાળો ચરમસીમાએ હોય અસહ્ય ગરમીમાં ઠંડક આપતા એસી, એર કુલરની માંગમાં જબરો ઉછાળો આવ્યો

અમદાવાદ :  ગરમીની અસર અમદાવાદની બજાર પર પણ જોવા મળી રહી છે. ઇલેક્ટ્રોનિક બજારમાં એસી અને એર કુલરની  ડીમાંડમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. માત્ર એપ્રિલ મહિનામાં જ એસીના અંદાજિત સાડા સત્તર લાખ યુનિટ વેચાયા હોવાના આંકડાઓ સામે આવી રહ્યા છે. 

ચાલુ વર્ષે માર્ચ મહિના બાદ જ ગરમીના પ્રમાણમાં વધારો શરૂ થઈ ગયો હતો. એપ્રિલમાં જ ગરમીએ માઝા મૂકતા પારો 42 ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે મે માહિનો પણ બરોબરનો તપી રહ્યો છે અને તાપમાન 44-45 ડિગ્રી જોવા મળી રહ્યું છે. આ તડકામાં ગરમીથી રાહત આપતા એસી, કુલરની ડીમાંડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે

 . છેલ્લા બે વર્ષની તુલનામાં આ વર્ષે સરેરાશ ૨૦ ટકા જેટલો એસીની બજારમાં ઉછાળો આવ્યો છે. કોરોના કાળમાં નહિવત વેચાયેલા એસી ચાલુ વર્ષે ધુમ વેચાવાનો વેપારીઓનો આશાવાદ છે. એપ્રીલ અને મે માસમાં જે ઇન્કરવાયરી થતી હતી તે માર્ચ અને એપ્રીલની શરૂઆતમાં જોવા મળી છે. ખરીદી માટે આવી રહેલ ગ્રાહકોને જરૂરત મુજબ એસી ખરીદવાની સલાહ વેપારીઓ દ્વારા આપવામાં આવી રહી છે.

એસી ખરીદનાર એક વર્ગ હોય છે. પરંતુ એસીના ભાવમાં થઈ રહેલ વધારાના કારણે જે પરિવારો એસી નથી ખરીદી શકતા તેઓ કુલર ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે. બજારમાં 2200 થી માંડી 25000 સુધીના કુલર ઉપલબ્ધ છે. જો કે સામાન્ય પરિવારો માટે કુલર પણ મોંઘા થઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલરના ભાવમાં વધારો થયો છે.રો મટીરીયલના ભાવ વધારાની અસર એર કુલર પર પણ વર્તાઇ છે. એર કુલરના ભાવામાં હજારથી ત્રણ હજાર સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.જે ને પગલે ગ્રાહકો તોબા પોકારી ગયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે દિન-પ્રતિદિન ગરમી અસહ્ય બની છે. જેના કારણે ગરમીમાં ઠંડક આપતા એસીની ડિમાન્ડમાં વધારો નોંધાયો છે.કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચર એસોસિયેશનના આંકડા મુજબ એપ્રિલ મહિનામાં ૧૭.૫ લાખ એસીના યૂનિટ્સનું વેચાણ થયું છે. જે કોરોના કાળ પૂર્વેના મહિના કરતા લગભગ 30 ટકા વધારો દર્શાવે છે.

(12:11 am IST)