ગુજરાત
News of Friday, 14th May 2021

કોરોનાથી ધંધા-રોજગાર ગુમાવ્યા હોય તેવા પરિવારને પાંચ પાંચ હજારની સહાય આપો : અર્જુન મોઢવાડીયા

કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને પણ ચાર લાખ રૂપિયાની સહાયની માંગણી

અમદાવાદ :રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે સાથે  36 શહેરોમાં કેટલાક પ્રતિબંધો પણ લાગુ કર્યા છે. કોરોનાના કારણે ઘણા લોકોના રોજગાર ધંધા બંધ થઈ ગયા છે. તો બીજી તરફ કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના વેપારીઓએ પોતાના ધંધા શરૂ કરવાની માગણી સરકાર સામે કરી રહ્યા છે અને આ બાબતે અલગ-અલગ શહેરોમાં વેપારીઓનું વિરોધ પ્રદર્શન પણ સામે આવી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં જે લોકોના ધંધા રોજગાર બંધ છે અને જેમને કોરોનાના કારણે ધંધા-રોજગાર ગુમાવ્યા છે તેવા પરિવારને પાંચ પાંચ હજાર રૂપિયાની સહાય આપવાની માગણી કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી છે.

સાથે જ તેમણે મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની માગણી પણ કરી છે. સાથે તેમણે સરકાર પર એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે, બીજી વેવમાં વ્યવસ્થા કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે.

રિપોર્ટ અનુસાર કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર સામે જે લોકોએ ધંધા રોજગાર ગુમાવ્યા છે તે લોકોના પરિવારને પાંચ હજાર રૂપિયાની સહાય આપવાની માગણી કરી છે. સાથે જ કોરોનાના કારણે જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનોને પણ ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે એવું પણ જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે ત્રણ મોટા અને બે નાના યુદ્ધ લડ્યા છે. તેમાં જેટલા મોત થયા તેના કરતાં 10 ગણા મોત કોરોનામાં થયા છે. 80 ટકા મૃત્યુ ઓક્સિજન વગર અને બેડ ન મળવાના કારણે થયા છે. દેશ અને દુનિયાના નિષ્ણાતો કહી રહ્યા છે કે, બીજી લહેર ખતરનાક રહેવાની ચેતવણી આપી હતી છતાં રાજ્યની સરકાર ધારાસભ્યને તોડવામાં અને ચુંટણી જીતવામાં વ્યસ્ત હતી.

અર્જુન મોઢવાડિયાએ કોરોના વેક્સીન બાબતે જણાવ્યું હતું કે, દેશમાં ઉત્પાદન થયેલી રસીના ડોઝમાંથી 6.5 કરોડ ડોઝ પ્રધાનમંત્રીએ પોતાનો ચહેરો ચમકાવવા માટે દુનિયાના અલગ-અલગ દેશોમાં ખેરાત કરી દીધા છે કોરોનાની રસી વિનામૂલ્યે આપશે તેવી જાહેરાતો બાદ કંપની કેન્દ્ર સરકાર આ રસી રૂપિયા 150માં અને રાજ્ય સરકારને 400 રૂપિયામાં આપશે સાથે જ ખાનગી હોસ્પિટલને 600માં આ રસી ખરીદવાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આપણી રસી યુરોપની અંદર બે ડોલરના ભાવે મળે છે અને આ જ રસી ભારતમાં 500 ડોલરના ભાવે મળી રહી છે. અર્જુન મોઢવાડિયાએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે, વેક્સીનમાંથી કમાણી ન કરવાની હોય વેક્સીન જેને બનાવવી હોય તેને ફોર્મુલા આપી બનાવવાનું કહી દેવું જોઈએ તેથી દેશના લોકોને બચાવી શકાય.

(11:39 pm IST)