ગુજરાત
News of Friday, 14th May 2021

વલસાડ કોવિડ હોસ્પિટલને બેઠી કરવાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનું રૂ. 2.14 લાખનું દાન

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ગર્લ્સ હોસ્ટેલમાં વલસાડ જિલ્લા બિલ્ડર એસોસિએશન દ્વારા 300 બેડની  કોવિડ કેર સેન્ટર હોસ્પિટલમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા રૂ. 2.14 લાખનો ચેક જિલ્લા બિલ્ડર એસોસિએશનના પ્રમુખને એનાયત કરવામાં  આવ્યો હતો.
ભારત દેશની સાથે ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના કોરોના મહામારી સંક્રમણ દિવસે દિવસે વધતું જતું હોય છે. કોરોના મહામારી ના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તમામ પ્રયત્નો હાથ ધરવા છતાં વાયરસ અટકવાનું નામ લેતો નથી. સંક્રમણના પગલે વલસાડ જિલ્લા, સેલવાસ દમણ સંઘપ્રદેશ,  આહવા ડાંગ ચીખલી, મહારાષ્ટ્ર તથા આજુબાજુના વિસ્તારોમાંથી રોજેરોજ દર્દીઓ વલસાડની સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં જગ્યા ન હોવાના પગલે દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. કોરોનાવાયરસના સંક્રમણમાં આવેલા દર્દીઓને જિલ્લામાં સારવાર મળી રહે તેવા શુભ હેતુથી વલસાડ જિલ્લા રિયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા 300 બેડની સુવિધા માટે વલસાડની સરકારી ઇજનેર કોલેજ ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર હોસ્પિટલ બનાવવાની તૈયારી બિલ્ડરોએ બતાવી હતી. હાલમાં જ હોસ્ટેલમાં 100 બેડની હોસ્પિટલ બનાવી જેનું તાજેતરમાં જ  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. ત્યારે આવા કપરા સમયે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન પ્રમુખ ઈલિયાસ ઉર્ફે મામા મલેકની આગેવાની હેઠળ તેમના એસોસિએશન હોદ્દેદારો હોટલ રેસ્ટોરેન્ટના સાથી મિત્રોના સહયોગથી રૂ.2, 14, 275  નો ચેક જિલ્લા બિલ્ડર એસોસિએશન પ્રમુખ અશોકભાઈ મંગેને એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બિલ્ડરો પીન્ટુભાઇ વશી, કિશોરભાઈ ભાનુશાલી ઉપસ્થિત રહ્યા હતા.

(12:26 pm IST)