ગુજરાત
News of Tuesday, 14th May 2019

તુવેરની દાળના ભાવમાં વધારોઃ રૂ. ૧૦૦ને આંબી જાય તેવી શકયતા

ઉત્પાદન ૪૦ ટકા ઓછું: આયાત પર પણ પ્રતિબંધ હોવાથી ભાવ વધશે

અમદાવાદ તા. ૧૪: છેલ્લા કેટલાક સમયથી તુવેરની દાળના ભાવોમાં ઉછાળો આવતાં દાળના ભાવોમાં ઉછાળો આવતાં દાળ મધ્યમવર્ગ માટે મોંઘી બની છે. હજુ થોડા સમય પહેલાં છુટક બજારમાં કિલો દીઠ રૂ. ૬૦ થી ૬પ રૂપિયે કિલો મળતી તુવેર દાળ અત્યારે રૂ. ૮૦ થી ૯૦ના ભાવે વેચાણ થઇ રહી છે. તેની સાથે ભણા દાળ, અડદ દાળ, મગની દાળમાં પણ રૂપિયા પનો વધારો પ્રતિ કિલો થયો છે. વેપારીઓના માટે તુવેરની દાળના ભાવ રૂ. ૧ર૦ ની સપાટીએ જશે.

ગુજરાત સહિત દેશનાં અનેક રાજયોમાં દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થવાથી તુવેર અને અડદની દાળનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં ૪૦ ટકા ઓછું થયું છે. બીજી તરફ સરકાર તરફથી તુવેરની દાળની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને પરિણામે અત્યારે રૂ. ૬૦માંથી ૮૦ રૂપિયે કિલોના ભાવે મળતી તુવેરની દાળના ભાવ આગામી માસમાં વધીને હજુ ૧ર૦ રૂપિયે કિલો થવાના નિર્દેશ એગ્રિકલ્ચરલ પ્રોડયુસ માર્કેટમાંથી મળી રહ્યા છે. અમદાવાદની બજારમાં તુવેરની દાળ વાસદ અને મહારાષ્ટ્રથી આવે છે જયારે સિઝનમાં આફ્રિકાના દેશોમાંથી આવે છે અમદાવાદીઓ રોજની ર૦૦ થી રપ૦ કવિન્ટલ તુવેરની દાળ ખરીદે છે.

અમદાવાદના જથ્થાબંધ અનાજના વેપારી વી. આર. કંપનીના વિપુલભાઇએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સરકારે તુવેરના ભાવ બાંધી રાખ્યા હતા. જેથી ખેડુતોએ ભાવ ઓછો મળતાં તેમણે તુવેરનો પાક ઓછો લેવાનું શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી તુવેરની કુદરતી અછત જોવા મળી રહી છે જેના કારણે તુવેરનો જથ્થગાબંધ ભાવ વધશે.

દેશની સૌથી મોટા ર૦ બજારોમાં ગયા અઠવાડિયે ૪૦૦૦ ટન રોજની દાળની આવકની સાથે ફકત ૩૦૦૦ ટન આવક રહી હતી. આમ એક જ અઠવાડિયામાં આવકમાં રપ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

(3:28 pm IST)