ગુજરાત
News of Tuesday, 14th May 2019

ખંભીસર ગામડામાં વરઘોડાના વિવાદમાં ફરિયાદ નોંધાઈ શકે

લોખંડી જાપ્તા હેઠળ યુવકની જાન નીકળી હતી : દલિત યુવકના પિતાએ ધર્મ પરિવર્તનની ચિમકી ઉચ્ચારતાં મામલો ગરમાયો, ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ

અમદાવાદ,તા. ૧૩ : કડીના લ્હોર ગામે દલિત યુવકનો લગ્નનો વરઘોડો કાઢવાના વિરોધનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર ગામે જયેશ રાઠોડ નામના વરરાજાનો વરઘોડો કાઢવા મુદ્દે થયેલા પથ્થરમારા બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઉભી થતા દલિતોના વિરોધનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. મામલો વણસતાં સમગ્ર જિલ્લાની પોલીસ ગામમાં ખડકી દેવામાં આવી હતી. ગામમાં વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વરરાજાના પિતાએ વરઘોડો કાઢવાનું મોકૂફ રાખી સાદગીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ગામમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે બન્ને સમાજના આગેવાનો સાથે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જો કે, તેમછતાં વાતાવરણ તંગ જ રહ્યું હતું. આખરે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત યુવકની લગ્નની જાન નીકળી હતી. ખુદ રેન્જ આઇજી, ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓના કાફલા અને જાપ્તા વચ્ચે ૧૭ કિલોમીટર સુધી બંદોબસ્ત ગોઠવી પોલીસે દલિત યુવકની જાનને માડી ગામ સુધી પહોંચાડી હતી. દલિત પરિવાર હોવાથી તેમની પરના અત્યાચારને લઇ યુવકના પિતાએ એક તબક્કે ધર્મ પરિવર્તન કરવાની ચીમકી ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો. હવે આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી પણ શકયતા છે. પોલીસે આજે દાવો કર્યો હતો કે, ગામમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે અને બંને પક્ષો વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા છે. જો કે, પોલીસના દાવા છતાં ગામમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે, તેને લઇ પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકાયલો છે. સમગ્ર વિવાદમાં વરરાજાના પિતા ડાહ્યાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, અમારી સાથે અન્યાય થયો છે. અમે દલિત હોવાથી અમને ટાર્ગેટ કર્યાં છે. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે માર માર્યો. અમને કોઈ ન્યાય મળ્યો નથી. લગ્ન પૂર્ણ થયા બાદ અમે ફરિયાદ કરીશું. અત્યારે ફરિયાદ કરીએ તો લગ્ન ન થવા દે. જો અમને ન્યાય નહિં મળે તો અમે ધર્મ પરિવર્તન કરીશું. સમાજના બધાને બૌદ્ધ ધર્મ અપનાવવા અપીલ કરીશ. આજે વરઘોડો નહિં કાઢીએ, સીધી જાન લઈને સામે પક્ષના ઘરે જઈને પ્રસંગ પૂર્ણ કરીશું.

દરમ્યાન જયેશભાઇ રાઠોડ(વરરાજા)એ જણાવ્યું કે, અમારો વિકાસ અન્ય સમાજના લોકો જોઇ શકતા નથી. દરમ્યાન રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ખંભીસર ગામમાં વરઘોડા કાઢવા બાબતે ઘર્ષણ થયા બાદ બે જિલ્લાનો સ્ટાફ અને એસઆરપી ગામમાં આવી તૈનાત છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. ગઈકાલે અમે બંને સમાજના લોકો સાથે બેઠક યોજીને પોલીસે સમજાવટ સહિતના તમામ પ્રયત્ન કર્યા હતા. પરિવારજનોએ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર મુકેલા આરોપની પણ તપાસ કરીશું. ઉલ્લેખનીય છે કે, કડીના લ્હોર ગામે, પ્રાંતિજના સીતવાડા, વડાલીના ગાજીપુર ગામે પણ દલિત યુવકના લગ્નના વરઘોડા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવાની ફરજ પડી હતી. આમ, સમગ્ર રાજયમાં દલિતોના વિરોધ અને સામાજિક બહિષ્કારનો મામલો હાલ ગરમાયો છે.

(8:10 pm IST)