ગુજરાત
News of Wednesday, 14th April 2021

ડો. આંબેડકરને દેશના રાષ્ટ્રીય નેતા ઘોષિત કરીને સાચો પ્રેમ દાખવો :દલિત અધિકાર મંચના સંયોજકે વડાપ્રધાનને કર્યુ ટવીટ્

દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે જાહેર અપીલ કરવા સાથે વડાપ્રધાનને ઉદ્દેશીને એક પત્ર પણ લખ્યો

અમદાવાદ :દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની આજે 130ની જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરાઈ છે,ત્યારે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ટવીટ્ કર્યું છે. તેમાં ડો. બાબાસાહેબને રાષ્ટ્રીય નેતા ઘોષિત કરવાની કાર્યવાહી કરી ડો. બાબાસાહેબ પ્રત્યે સાચો પ્રેમ પ્રદર્શિત કરે તેવી જાહેર અપીલ કરી છે. આ અપીલ સાથે તેમને ઉદ્દેશીને એક પત્ર પણ લખ્યો છે.

દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે દેશના વડાપ્રધાનને ઉદ્દેશીને લખેલા પત્રમાં એક પ્રસંગને ટાંકીને જણાવ્યું છે કે, તમે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વર્ષ 2010માં એટલે કે 26-1-2010માં સુરેન્દ્રનગરમાં હાથીની અંબાણી પર સંવિધાન સન્માન યાત્રા કાઢી હતી. ત્યારે અમોએ હર્ષની લાગણી અનુભવી હતી. આપ વડાપ્રધાન થયા ત્યારે પણ આપે ડો. બાબા સાહેબને યાદ કરીને કહ્યું કે, હું આ જગ્યાએ સંવિધાનના લીધે પહોંચ્યો છે. હાલમાં તાજેતરમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પણ ડો. બાબા સાહેબના અપમાનને વખોડી કાઢીને અપાર પ્રેમ પ્રદર્શિત કર્યો હતો. જેનાથી દેશના દલિતોમાં આપ પ્રત્યે ભારોભાર માન થયું હતું. પણ ગુજરાત સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાની સૂચિમાં સામેલ કરતાં નથી તે માહિતીનું રેકર્ડ જોયું તો વિજયભાઈ  રૂપાણી સરકારે પણ આપના સમયની ફાઇલ નોટીંગ મુજબ ડો. બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાની સૂચિમાં સમાવવાની માંગને મોકૂફ રાખી છે.

વધુમાં જણાવ્યું છે કે, આપના મુખ્યમંત્રી કાર્યકાળમાં વર્ષ 2012માં ડો. બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતાની સૂચિમાં સમાવવાની માંગમાં આપે પણ અસમર્થતા દાખવી તે જાણી ખૂબ જ દુખ થયું છે. આપ ડો. બાબા સાહેબને જાહેરમાં તો માન-સન્માન આપો છો. પણ આપના જ ગુજરાત રાજયમાં આપના કાર્યકાળમાં ડો. બાબા સાહેબનું ભારોભાર અન્યાય કરવામાં આવ્યો હોવાનું રેકર્ડ પરથી સાબિત થાય છે. જો આપ ખરેખર ડો. બાબા સાહેબને દલિત નેતા નહીં પણ રાષ્ટ્રીય નેતા માનતા હોય અને આપના દિલમાં ડો. બાબા સાહેબ પ્રત્યે સાચો આદર પ્રેમ હોય તો પુરા ભારત દેશમાં ભારત સરકાર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને રાષ્ટ્રીય નેતા ઘોષિત કરવા તાત્કાલિક કાર્યવાહી થાય તો દેશના દલિતો માને કે આપ ડો. બાબા સાહેબ આંબેડકરના સાચા ભક્ત છો. આ પત્ર મળે પછી તુરત જ ડો. બાબા સાહેબ આંબેડકર પ્રત્યેનો આપના સાચો પ્રેમ પ્રગટ કરવા વિનંતી કરી છે.

(10:32 pm IST)