ગુજરાત
News of Wednesday, 14th April 2021

ઈડરના ગંભીરપુરા-લીંભોઇ રોડ નજીક દીપડાએ એક મજુર પર હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ

ઈડરતાલુકા ના ગંભીરપુરા-લીંભોઈ રોડ પર આવેલી ગ્રેનાઈટ ફેક્ટરી પાસે સોમવારની રાત્રે દિપડાએ દેખા દેતાંઅહીં કામ કરતા મજુરોમાં ભય સાથે નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન દિપડાએ એક મજુર પર હુમલાનો પ્રયાસ કર્યો હતોજેમાં હુમલાથી બચવા મજુરે ઓફિસ તરફ દોટ મુકતાંભોંય પર પટકાવાથી મજુરને માથા તથા હાથ પર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણકારી બાદ વનતંત્રએ પાંજરૂ ગોઠવવા તજવીજ હાથ ધરી છે.

ઈડર પંથકમાં ફરી એકવાર દિપડાના આંટાફેરા વધી ગયા છે. અગાઉ ગંભીરપુરા બાદ સોમવારે રાત્રે લીંભોઈ રોડ પર આવેલા સાંઈ સ્ટોન ફેક્ટરી પાસે દિપડો દેખાયો હતો. ફેક્ટરીના પાછળના ભાગે ખુંખાર દિપડો નજરે પડતાં અહીં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન દિપડાએ એક કામદારનો પીછો કરી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે કામદારે ઓફિસ તરફ દોટ મૂકી હતીજેમાં ફફડાટને કારણે જમીન પર પટકાવાથી કામદારને માથા તથા હાથના ભાગે ઈજા પહોંચી હતી.

બીજી બાજુ દિપડાને ઓફિસ તરફ ધસી આવતો જોઈ અન્ય કામદારોએ બુમાબુમ કરતાં આખરે દિપડો ડુંગર તરફ ભાગી ગયો હતો. બાદમાં ઘટના અંગે ફેક્ટરી માલિક શૈલેન્દ્રસિંહને જાણ થતાં તેઓએ વનતંત્રને જાણ કરી હતી.

  જાણકારી બાદ વનતંત્રની ટીમે દોડી આવી જરૂરી તપાસ બાદ અહીં પાંજરૂ ગોઠવવા તજવીજ હાથ ધરી છે. ફેક્ટરી માલિકના જણાવ્યા મુજબ અગાઉ પણ દિપડો ફેક્ટરી સુધી આવી કુતરાનું મારણ કરી ગયો છે.

(6:37 pm IST)