ગુજરાત
News of Wednesday, 14th April 2021

તારાપુર તાલુકાના મહિયારી ગામે શિક્ષકનું અપહરણ કરી ત્રણ શખ્સોએ લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામ્યો

તારાપુર:તાલુકાના મહીયારી ગામે ફરજ બજાવતા એક શિક્ષકનું ત્રણ શખ્શોએ મોટરકારમાં અપહરણ કરી લઈ જઈ તેઓની પાસેથી રોકડ તેમજ સોનું મળી કુલ્લે રૂા..૨૦ લાખની લૂંટ કરી હોવાનો બનાવ તારાપુર પોલીસ દફતરે નોંધાયો છે. બનાવને લઈ નાનકડાં ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

તારાપુરની જીવનધારા સોસાયટી ભાગ-૨માં રહેતા ઝવેરભાઈ મગનભાઈ પટેલ મહિયારી ગામે સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા.૧૦મી રોજ મહિયારીના કુખ્યાત દિલજીતસિંહ દેવીસિંહ ચૌહાણે તેઓને મોબાઈલ ફોન ઉપર ફોન કરી પ્લોટ બાબતે વાત કરવાની છે તેમ કહી હોટલ આમંત્રણ ખાતે આવવા કહ્યું હતું. જેથી ઝવેરભાઈ પોતાનું એક્ટીવા લઈ હોટલ આમંત્રણ ખાતે ગયા હતા. જ્યાં દિલજીતસિંહે લીંબાસીના દિનેશભાઈ લીમ્બાચીયાના તારાપુર-સોજિત્રા રોડ ઉપર આવેલ પ્લોટ પૈકી પાંચ પ્લોટ લેવાની વાત જણાવી હતી. બાદમાં દિલજીતસિંહે તેઓને કારમાં બેસી જવા જણાવતા તેઓએ ઘરે મહેમાન આવવાના હોઈ જવાનું છે તેમ જણાવતા દિલજીતસિંહે તેઓને ધમકાવી કારની પાછળની સીટમાં બેસાડી દીધા હતા અને એક્ટીવાની ચાલી પણ લઈ લીધી હતી. બાદમાં તેઓને મહિયારી ગામે આવેલ દિલજીતસિંહના તબેલા ખાતે લઈ જવાયા અને રૂા.૧૦ લાખની માંગણી કરી તેઓને એક ઓરડીમાં પુરી દીધા હતા. જ્યાં ઝવેરભાઈને ગડદાપાટુનો માર મારી છરો બતાવી કપડા કઢાવી નાખી બિભત્સ વીડીયો પણ બનાવી લેવામાં આવ્યા હતા અને પૈસાની માંગણી કરી હતી જેથી ઝવેરભાઈએ એક્ટીવામાં ચેકો પડયા છે તેમ જણાવતા તારાપુર ખાતે મુકેલ એક્ટીવા લઈ આવી તેમાંથી ૧૦ જેટલા કોરો ચેકો ઉપર ઝવેરભાઈની સહીઓ કરાવી લઈ લીધા હતા તેમજ બાદમાં રૂા. લાખની રોકડની માંગણી કરતા ઝવેરભાઈએ મહિયારીના આચાર્ય હરદાન ચારણ પાસેથી રૂા.૩૦ હજાર, જશુભાઈ ચૌહાણ પાસેથી રૂા.૫૦ હજાર તેમજ તેઓના મિત્ર પાસેથી રૂા. લાખ અપાવ્યા હતા અને એટીએમ કાર્ડમાંથી દિલજીતસિંહે રૂા.૧૬ હજાર ઉપાડી લીધા હતા અને ઝવેરભાઈએ ગળામાં પહેરેલ સોનાની ચેઈન પણ કઢાવી લઈ લૂંટી લઈ જો બાબતે તારાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરીશ તો તારા પુત્રને જાનથી મારી નાખીશ તેમ જણાવ્યું હતું. અપહરણકારોના હાથમાં જેમ-તેમ છુટીને આવેલ ઝવેરભાઈ એક્ટીવા લઈ ઘરે ગયા હતા અને સમગ્ર વાત સંબંધીઓને જણાવી હતી.

(6:32 pm IST)