ગુજરાત
News of Wednesday, 14th April 2021

પંચમહાલની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની બાઇક રેલીમાં કોવિડ ગાઇડલાઇન્સનો સરેઆમ ભંગ

પંચમહાલ: ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે મોરવા હડફ વિધાનસભાની બેઠક પર આગામી 17 એપ્રિલે યોજાવા જઈ રહેલી પેટા ચૂંટણી માટેનો પ્રચાર અંતિમ તબક્કામાં છે. ભાજપ દ્વારા આજે ચૂંટણી પ્રચારના ભાગ રૂપે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોવિડ ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

કોરોના સંક્રમિતોની સંખ્યાને જોતા ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને રોડ શો અને જનસભાઓમાં કોવિડ પ્રોટોકોલનું સખ્તીથી પાલન કરવા માટે કહ્યું છે. આમ છતાં અવારનવાર રાજકીય પાર્ટીઓ દ્વારા કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા અંતિમ તબક્કામાં DJના તાલે ભવ્ય બાઈક રેલી નીકાળવામાં આવી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ભાજપે રેલી કાઢતા અનેક સવાલો ઉઠ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. દરરોજ નવા કેસો તેનો જૂનો રેકોર્ડ તોડી રહ્યાં છે. કોરોના સંક્રમણને જોતા જ ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણી રદ્દ કરવામાં આવી ચૂકી છે. જેને પગલે મોરવા હડફની પેટાચૂંટણી રદ્દ કરવાની માંગ ઉઠી રહી છે.

પૂર્વ રેલવે મંત્રી નારણ રાઠવાએ જણાવ્યું હતું, ભાજપ અને ચૂંટણી પંચ આદિવાસી મતદારો સાથે અન્યાય કરી રહી છે. જો ગાંધીનગર મનપાની ચૂંટણી રદ્દ થઈ શકતી હોય, તો મોરવા હડફની પેટાચૂંટણી કેમ રદ્દ ના થઈ શકે?

ગઈકાલે પંચમહાલ જિલ્લામાં 61 નવા કેસ નોંધાયા હતા. આવા સમયે રાજકીય પાર્ટીઓ કોવિડ નિયમોને નેવે મૂકીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. એક તરફ રાજ્યના મોટા-મોટા શહેરોની હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યાં, એવામાં રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓમાં સરકારી નિયમોનો સરેઆમ ભંગ કરીને કોરોનાને રીતસરનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

(4:50 pm IST)