ગુજરાત
News of Wednesday, 14th April 2021

કોરોનાની બીજી લહેરમાં લોકોમાં ડર વધ્યો, રાત્રે ઉંઘ ન આવવાની ઉઠી ફરિયાદો

મનોચિકિત્સકની સલાહ લેવા માંડ્યા

રાજકોટ,તા. ૧૪: દેશમાં કોરોનાનો કાળો કહેર દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે કોરોનાનો ડર ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે લોકોમાં વધુ જોવા મળ્યો છે. લોકો ટેસ્ટ કરાવતા અને વેકિસન લેતા પણ ડરી રહ્યા છે. કેટલાક લોકોતો સૌથી વધુ ડરી રહ્યા છે કે જે ખુદ સંક્રમિત હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે અને તેના પરિવારજનો સંક્રમિત થવાનાં કારણે તેમને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

તેવામાં મનોચિકિત્સક મુજબ છેલ્લા ૧ મહિનાથી ગુજરાતમાં કોરોનાએ જે રીતે ગતિ પકડી છે તે ખૂબ જ ગંભીર છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની કતારો , રેમડેસીવીર ઈન્જેકશનની અછત , મેડિકલમાં દવાઓ માટે લાંબી લાઈનો , સ્મશાનમાં પણ વેઈટિંગ આ દ્રશ્યો ખૂબ જ ભયાવહ છે. આ જોતાં લોકોમાં ડર અને ડિપ્રેશનનાં કારણે ઊંદ્ય ન આવવી , બેચેની થવી , માથું દુખવું , ગળામાં દુખાવો , અને નકારાત્મક વિચારોનાં કારણે પણ લોકો ડોકટર પાસે જવા લાગ્યા છે.

સરકારી મનોચિકિત્સક ડો.રમાશંકર યાદવએ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લોકોમાં કોરોનાનો ડર ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળ્યો. જેના લીધે ઊંદ્ય ન આવવી જેવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવ્યા છે. લોકોમાં સૌથી વધુ ડર પોતાના લોકોને લઈને જોવા મળી રહ્યો છે જે લોકોએ પોતાના સ્વજનોને કોરોનાનાં કારણે ગુમાવ્યા છે.

 કેસ ૦૧ :  ૪૫ વર્ષીય એક બિલ્ડરને કોરોનાનાં કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બિલ્ડરની સાથે તેમના પત્ની અને પુત્ર પણ કોરોના સંક્રમિત આવ્યા હતા. તેવામાં તેઓ ડરી રહ્યા હતા કે જો કોરોનાનાં કારણે તેમની પત્નીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો બાળકનુ ધ્યાન કોણ રાખશે ?? જેના કારણે તેમની ઊંઘ પણ ઊડી ગઈ હતી .

કેસ ૦૨ : એક વ્યકિત છેલ્લા કેટલાય દિવસોથી ટેન્શન લઈ રહ્યો હતો કે તેના કારણે તેના પરિવારજનો કોરોના સંક્રમિત ન થાય, જયારે વાસ્તવિકતા એ છે કે નાં તો તે યુવક કોરોના સંકમિત છે નાં તો તેના પરિવારજનો.

(3:06 pm IST)