ગુજરાત
News of Wednesday, 14th April 2021

અમદાવાદમાં ગેસનો બાટલો ફાટતાં બે માળનું મકાન તૂટી પડ્યું :બે લોકોના મોત : ચારને ઈજા

રાણીપ વિસ્તાર માં શાકમાર્કેટ નજીક આવેલી નેમિનાથ સોસાયટીમાં ગેસનો બાટલો ધડાકાભેર ફાટ્યો

અમદાવાદમાં રાણીપ વિસ્તાર માં શાકમાર્કેટ નજીક આવેલી નેમિનાથ સોસાયટીમાં આજે વહેલી સવારે ગેસનો બાટલો ધડાકાભેર ફાટતાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં બે માળનું આખું મકાન ધરાશાયી થયું હતું જેમાં બે મહિલાઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે જ્યારે ચાર લોકોને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે લોકો માં ભારે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો અને નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.
  ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10 ગાડી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડના સૂત્રો ના જણાવ્યા મુજબ બે માળના મકાનમાં ગેસનો બાટલો આખી રાત લીકેજ થયો હોય અને સવારે ચા બનાવવા અથવા અન્ય કોઈ કારણોસર ગેસ ચાલુ કરતાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોય શકે છે. જોકે હજી સુધી ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બે માળના મકાનમાં માલિક અને ભાડૂઆત રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં મોત ને ભેટનારાઓ માંનૂતનબેન રસિકભાઈ પંચાલ (ઉં.વ 55)અનેભાવનાબેન પટેલ ( ઉં.વ. આશરે 55) નો સમાવેશ થાય છે જ્યારે ઇજાગ્રસ્તોમાં મયૂર પંચાલ,આશિષ પટેલ, વિષ્ણુ પટેલ અને ઈચ્છાબેન પટેલનો સમાવેશ થાય છે.આ ઘટના ને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.

(11:05 am IST)