ગુજરાત
News of Wednesday, 14th April 2021

દીકરીના જન્મને અપશુકન ગણાવી પરિણીતાને કાઢી મૂકી

અમદાવાદના નવરંગપુરા વિસ્તારનો બનાવ : જન્મ બાદ બાળકીને ગળા-મોઢાના ભાગે કુદરતી સફેદ ડાઘ હોવાથી સાસરિયાઓએ તેને અપશુકનિયાળ ગણતા હતા

અમદાવાદ,તા.૧૩ : દિવસેને દિવસે પરિણીતાઓ પર અત્યાચારના કિસ્સા વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. એક બાજુ બેટી બચાઓ બેટી પઢાઓની સૂફીયાણી વાતો કરવામાં આવે છે તો બીજી બાજું કેટલાય એવા લોકો છે જેઓ પુત્રીનો જન્મ થતા જ પુત્રવધૂને ત્રાસ આપતા હોય છે. અનેક એવા કિસ્સા છે જેમાં બાળકીને રાખવા સાસરિયાઓ તૈયાર નથી હોતા. આ સિવાય એવી પણ કેટલીય હકીકતો સામે આવે છે જેમાં બાળકીઓને તરછોડી દેવામાં આવે છે. સમાજના આવા લોકોને પુત્ર જન્મની ઘેલછા હોય છે. આથી દીકરીનો જન્મ થાય એટલે સાસરિયાઓ પોતાની જૂનવાણી માનસિકતા બતાવતા હોય છે. તાજેતરના કિસ્સામાં એક પરિણીતાએ લગ્ન બાદ દીકરીને જન્મ આપ્યો હતો.

જન્મ બાદ આ બાળકીને ગળા અને મોઢાના ભાગે કુદરતી સફેદ ડાઘ હોવાથી સાસરિયાઓએ તેને અપશુકનિયાળ ગણી પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. સમગ્ર મામલે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના નવરંગપુરામાં રહેતી ૩૬ વર્ષીય મહિલાના વર્ષ ૨૦૧૨માં ડીસા ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ પરિણીતા શાહપુર ખાતે સાસરે રહેવા આવી હતી. વર્ષ ૨૦૧૩માં પરિણીતાએ એક પુત્રીને જન્મ આપતા સાસરિયાઓને ગમ્યું ન હતું. જેથી પરિણીતાને પિયરમાં સાસરિયાઓ લેવા ન આવતા તે નવ માસ ત્યાં જ રહી હતી. બાદમાં પરિણીતા જાતે જ સાસરે રહેવા આવી હતી. ત્યાં પુત્રીને ગળા અને મોઢાના ભાગે સફેદ ડાઘ હોવાથી સાસરિયાઓએ તેને અપશુકનિયાળ માન્યું હતું.

આ બાબતે પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપી માર મારી વર્ષ ૨૦૧૫માં કાઢી મૂકી હતી. દીકરીને લઈને જ્યારે પરિણીતા રહેવા ગઈ ત્યારે સસરાએ દીકરી સાથે ન રહેવા દેવાની ધમકી આપી હતી. બાદમાં દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જે આધારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ સાસરિયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(9:51 pm IST)