ગુજરાત
News of Sunday, 14th April 2019

કોંગીના શાસનકાળમાં ભ્રષ્ટાચારે દેશને ભરડો લીધો હતો : મુખ્યમંત્રી વિજય રૂપાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા ચોકીદારની સાથે કરોડો દેશવાસીઓ અડીખમ ઉભા છે :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલમાં દેશપ્રેમ તેમજ રાષ્ટ્રહિતે જ્યારે રાહુલ ગાંધીના દિલમાં માત્ર સ્વહિત અને સત્તા લાલસા દેખાઈ રહી છે : મોદીએ ભારતને ગૌરવ અપાવ્યું

અમદાવાદ, તા. ૧૩ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સાબરકાંઠા મતવિસ્તારના વડાલી ખાતે એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ઘણા વર્ષ બાદ આ દેશે કરવર બદલી છે. આ દેશને કોંગ્રેસે ૫૫-૫૫ વર્ષથી માત્ર અને માત્ર લૂંટ્યો છે. કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો પર્યાય બની ગઈ હતી. કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારે દેશને ભરડો લઈ લીધો હતો. કોંગ્રેસના કરોડો, અબજોના કૌભાંડોને કારણે આપણો દેશ સમગ્ર વિશ્વમાં બદનામ થયો હતો. દેશમાં આરાજકતા અને અનીતિ ચારે બાજુ ફેલાઈ ગઈ છે. નરેન્દ્ર મોદીએ દેશની જનતાને વચન આપ્યું હતું કે અમે સત્તામાં આવીશું તો ભ્રષ્ટાચાર રૂપી દાવનને દેશમાંથી ખતમ કરી દઈશું. આ ચૂંટણી ચોકીદાર અને ચોરોની જમાત વચ્ચેની છે. નરેન્દ્ર મોદી જેવા ચોકીદારની સાથે કરોડો દેશવાસીઓ મૈં ભી ચોકીદાર ના નારા સાથે અડીખમ ઊભા છે. કોંગ્રેસે હાલમાં જ મધ્યપ્રદેશમાં સત્તા મેળવી છે. ત્યાં સત્તામાં આવતાની સાથે જ કોંગ્રેસે તેનો અસલી રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે. કરોડો રૂપિયાનું કાળું નાણું મધ્યપ્રદેશમાંથી પકડાયું છે. તેથી વિપક્ષો મોદી હટાવો.. મોદી હટાવો ની બુમો પાડી રહ્યા છે. તેમને ખબર છે કે જો મોદી ફરીથી સત્તામાં આવશે તો આપણે બધાએ જેલમાં જવાનો વારો આવશે. હાલમાં આમાંથી એક ડઝન જેટલા વિરોધ પક્ષના નેતાઓ જામીન પર છે. તેથી તો નરેન્દ્ર મોદી તેમને આંખના કણાની જેમ ખૂંચે છે. નરેન્દ્ર મોદીના દિલમાં જે દેશપ્રેમ અને રાષ્ટ્રહિત જોવા મળે છે તે દેશપ્રેમ અને રાષ્ટ્રહિત રાહુલ ગાંધીમાં જોવા મળતો નથી. રાહુલ ગાંધી ઘણી વખત વિદેશમાં જઈને ભારત દેશની ટીકા કરતા હોય છે. જ્યારે મોદી વિશ્વમાં ભારતને એક અનોખી ઊંચાઇ પર લઇ ગયા છે. સત્તા મેળવવા માટે તરફડિયાં મારતી કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. ભ્રષ્ટાચારના મુદ્દે મોદી આક્રમક રીતે આગળ વધી રહ્યા છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સાડા છ કરોડ ગુજરાતીઓની વાત કરતા હતા. કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા પછી ૧૩૦ કરોડ દેશવાસીઓના હિતની વાત કરી રહ્યા છે. ધર્મ, જાતિ અને જાતિવાદી પરિબળોથી આગળ વધીને સૌનો સાથ સૌના વિકાસની વાત કરી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં વર્ષો સુધી કોંગ્રેસની સરકાર રોડા નાખતી હતી પરંતુ મોદી વડાપ્રધાન બન્યા બાદ ઝડપથી કામગીર પૂર્ણ કરાઈ છે.

(8:15 pm IST)