ગુજરાત
News of Wednesday, 14th March 2018

ગુજરાતમાં એક પણ જેલ બંધ કરાઈ જ નથી : જાડેજાનો દાવો

મજબૂત ઇચ્છાશક્તિના લીધે જ સફળતા મળીઃ જેલ મેન્યુઅલ પ્રમાણે જેલનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે : જેલમાં મોબાઇલ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે

અમદાવાદ,તા.૧૪ : કોંગ્રેસના શાસન દરમ્યાન વર્ષ ૧૯૮૧માં પોરબંદરની જેલ બંધ કરવામાં આવી હતી, જે સાત વર્ષ બાદ શરૂ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના કારણે એકપણ જેલ બંધ કરવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા રાજ્ય ભરમાં આવેલી જેલોમાં નિયમિત રૂપે નિરક્ષણ કરવામાં આવ્યું છે, તે અંગે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, જેલ મેન્યુઅલ તેમજ ગુજરાત પ્રિઝન રૂલ્સ-૧૯૭૫ મુજબ એકથી વધુ વખત આઈજીપી કક્ષાના અધિકારીઓ દ્વારા રાજ્યની મધ્યસ્થ અને જિલ્લાની જેલોનું નિરીક્ષણ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં પોરબંદર ખાસ જેલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આઈજીપી કક્ષાના અધિકારીએ જેલોના વોર્ડ, યાર્ડ, બેરેક કે અન્ય બાબતોનું નિરીક્ષણ કરવાનું હોય છે. પોરબંદર ખાસ જેલની મુલાકાત દરમ્યાન વાયરલેસ, ફેક્સ મશીન તૈયાર કરવા જેવા બાબતે આઈજીપી દ્વારા કરાયેલા સૂચનો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ડૉક્ટરની નિમણૂંક તેમજ પોરબંદર જેલમાં બંધ કેમેરા પણ ચાલુ કરવામાં આવ્યા હતા. રાજ્યની જેલોમાં હાઈ ફ્રિકવન્સી જામર લગાવવામાં આવ્યા છે. મોબાઇલ લઈ જવા પર કડક પ્રતિબંધ ફરમાવ્યો છે, તેમ વિવિધ ધારાસભ્યો દ્વારા પુછાયેલા પૂરક પ્રશ્નો ઉત્તર આપતાં રાજ્ય ગૃહમંત્રી જાડેજાએ ઉમેર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ગાંધીનગરના કલોલ ખાતે જેલ બનાવવા માટે નવા બજેટમાં યોગ્ય વિચારણા બાદ નિર્ણય કરવામાં આવશે. મધ્યસ્થ જેલમાં ૭૫૦ જેટલા, જિલ્લાની જેલમાં ૨૫૦થી ૭૫૦ ક્યારે સબ જેલમાં ૨૫૦ જેટલા કેદીઓ રાખવામાં આવે છે તેમજ ખાસ પ્રકારના કેદીઓને પોરબંદરની ખાસ જેલમાં રાખવામાં આવતા હોવાનું ગૃહ રાજયમંત્રી ગૃહમાં માહિતી આપતાં જણાવ્યું હતું.

(9:14 pm IST)