ગુજરાત
News of Friday, 14th February 2020

ધો.૩થી ૧રમાં બોર્ડ દ્વારા જ પરીક્ષાના નિર્ણય સામે શિક્ષકો-શાળાઓનો વિરોધ

વર્ષમાં બે વખત લેવાનારી પરીક્ષા માટે ૧ર કરોડથી વધુ પ્રશ્નપત્રોની ચકાસણી મોટો પડકાર

અમદાવાદ, તા. ૧૪ : રાજય સરકાર ધોરણ-૩ થી ૧રમાં પણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય લઇ રહી છે, પરંતુ આ નિર્ણયમાં સૌથી મોટી સમસ્યા પેપર ચકાસણીની આવશે. વર્ષમાં બે વાર લેવાનારી સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં અંદાજે ૧ર.પ૦ કરોડ પ્રશ્ન પેપર થાય અને શિક્ષકો સાથે તેની ગણતરી કરવામાં આવે તો એક પરીક્ષાના પ્રશ્ન પેપરની ઉતરવાહીની ચકાસણી માટે ઓછામાં ઓછો બેથી ત્રણ મહિનાનો સમય લાગે. વર્ષમાં બે વાર પરીક્ષા લેવાય તો પાંચથી છ મહિના માત્ર પેપર ચકાસણીમાં જ ફાળવવા પડે.

અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષમાં એક જ વર્ષમાં ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષા લેવામાં આવે છે, તેમાંય અંદાજે ૪૦ હજાર શિક્ષકો પેપર મૂલ્યાંકનની કામગીરીમાં જોડાતા હોય છે અને દોઢ મહિના જેટલો સમય તેમાં લાગી જતો હોય છે તો પણ ઉતાવળના કારણે તેમાં અનેક છબરડા રહી જાય છે.

હવે આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ-૩ થી ધોરણ-૧ર ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સવા કરોડ જેટલી થાય અને વર્ષમાં બે વાર પરીક્ષા લેવાય તો અંદાજે એક વિષયના બે પેપર અને પાંચ વિષય ગણવામાં આવે તો વિદ્યાર્થીદીઠ દસ પેપર થાય એટલે વર્ષે ૧ર કરોડથી વધુ પ્રશ્ન પેપરની ઉત્તરવાહીનું મૂલ્યાંકન કરવાનું થાય. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ એક શાળાના પેપર બીજી શાળાના શિક્ષકો દ્વારા તપાસવાના થશે તેની વ્યવસ્થા પણ હજુ ગોઠવાઇ નથી.

અત્યારે રાજયભરમાં ધોરણ-૧થી ૧રમાં સવા લાખ શિક્ષકો છે, જેમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમાવેશ થાય છે. એક પરીક્ષામાં તમામ શિક્ષકો કામે લગાડવામાં આવે તો પણ ત્રણ મહિનાનો સમય લાગી શકે. હવે બે વાર પેપરનું મૂલ્યાંકન કરવાનું આવે તો શૈક્ષણિક કાર્યવાહી કયારે થાય તે સવાલ ઉઠતા શિક્ષક સંઘ અને વાલીમંડળ દ્વારા આ મુદે ફેરવિચારણા માટે વિરોધ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

(4:07 pm IST)