ગુજરાત
News of Friday, 14th February 2020

આમુલ પરિવર્તન : ગાંધીનગરને મળશે પોલીસ કમિશનર : અમદાવાદના કેટલાક પોલીસ મથકોની હદ બદલાશે

પોલીસ અને ગાંધીનગરનો વધતો વિસ્તાર જોતા નિર્ણય લેવાયો : કડી કલોલનો પણ સમાવેશ થઈ શકે

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરને પણ હવે પોલીસ કમિશનર મળશે. પાટનગર ગાંધીનગરને રાજ્યના ચાર શહેરોની જેમ પોલીસ કમિશનરેટ બનશે. પોલીસની પોસ્ટ પ્રમાણે અમદાવાદના પોલીસ કમિશનર ડીજી કક્ષાના અધિકારી ફરજ બજાવે છે પરંતુ સરકારના નવા ડ્રાફ્ટ મુજબ આઈ.જી.અથવા આઈ.જીથી ઉપરની કક્ષાના અધિકારી પોલીસ કમિશનર તરીકે બેસશે. આ નિર્ણય લાગુ થવાથી અમદાવાદ શહેરના કેટલાક પોલીસ સ્ટેશનની હદ બદલાશે.

સરકારે જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેની એક્સક્લુઝિવ માહિતી મુજબ હવે આ નિર્ણય લાગુ થવાથી અમદાવાદના કેટલાક પોલીસ મથકો ગાંધીનગર પોલીસ કમિશનરેટની હદમાં જશે. જેમાં અમદાવાદ શહેરનું સાબરમતી પોલીસ મથક, અડધું સોલા પોલીસ મથક, ચાંદખેડા ગાંધીનગર પોલીસ મથકમાં આવશે.
જેવી રીતે અમદાવાદ અને ગાંધીનગરનો વ્યાપ વધી રહ્યો છે તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારસુધી અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતને પોલીસ કમિશનરેટ મળતા હતા.
પોલીસ કમિશનરેટનો અમલ થતા જ ગાંધીનગર પોલીસ કમિશનરની હદમાં 3-4 ડેપ્યુટી પોલીસ કમિશનર મળશે. આગામી દિવસોમાં આ ડ્રાફ્ટને સૌદ્ધાંતિક મંજૂરી મળતા જ આ અમલ થશે.

(2:24 pm IST)