ગુજરાત
News of Friday, 14th February 2020

બિનઅનામત વર્ગની માંગણી મુદે મેરેથોન બેઠક : મડાગાંઠ યથાવત

કાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રતિનિધિઓની માંગણીથી વાકેફ કરવામાં આવશે : બેઠક બાદ આંદોલન જારી રાખવા બાંભણિયાની જાહેરાત : તમામ સમુદાયના લોકોને ન્યાય મળે, સુમેળનો માહોલ રહે તે હેતુ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાતરી

અમદાવાદ, તા. ૧૩ : એલઆરડી ભરતીના મામલે અનામત પરિપત્ર મુદ્દે અનામત વર્ગ અને બિન અનામત વર્ગના લોકો વચ્ચે ખેંચતાણ વચ્ચે આજે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા તથા અન્યોની સાથે લાંબી મેરેથોન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રતિનિધિઓ તરફથી કરવામાં આવેલી તમામ રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળવામાં આવી હતી. હવે આવતીકાલે ફરી એકવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજવામાં આવશે જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. બેઠક બાદ મડાગાંઠ હજુ યથાવત રહી છે. આંદોલન પણ જારી છે. આવી સ્થિતિમાં આવતીકાલે યોજાનારી બેઠક ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ છે. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, પ્રતિનિધિઓની રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળવામાં આવી છે. નીતિન પટેલે કહ્યું હતું કે, પ્રતિનિધિઓની રજૂઆત બાદ આવતીકાલે મુખ્યમંત્રી સમક્ષ તમામ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીનો નિર્ણય અંતિમ રહેશે. સમાજના તમામ લોકોને ન્યાય મળે તેનો હેતુ રાખવામાં આવ્યો છે.

          સુમેળભર્યું વાતાવરણ રહે તેવી અમારી અપીલ છે. તા.૧-૮-૨૦૧૮નો વિવાદીત પરિપત્ર રદ નહી કરવા બિનઅનામત વર્ગના લોકોએ આજથી આંદોલન શરૂ કર્યું છે ત્યારે આજે સરકારે બિનઅનામત વર્ગના નેતાઓ સાથે બેઠકો યોજી હતી. આવતીકાલે વાતચીતનો સિલસિલો જારી રહેશે. જરૂર પડે બિન અનામત વર્ગના નેતાઓએ મુખ્યમંત્રીને મળવાની પણ તૈયારી બતાવી હતી. બેઠક બાદ બિન અનામત વર્ગના તરફથી ઉપસ્થિત રહેલા પ્રતિનિધિ દિનેશ બાંણમિયાએ કહ્યું હતું કે, આંદોલન જારી છે. આવતીકાલે ફરી બેઠક મળશે અને અમારી રજૂઆતો રજૂ કરીશું. એલઆરડી ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે અનામત વર્ગ અને બિન અનામત વર્ગના લોકો સામસામે આવી ગયા છે અને ખાસ કરીને તા.૧-૮-૨૦૧૮નો વિવાદીત પરિપત્ર રદ નહી કરવા બિનઅનામત વર્ગના લોકોએ આજથી આંદોલન શરૂ કર્યું છે ત્યારે આજે સરકારે બિનઅનામત વર્ગના નેતાઓ સાથે બેઠકો યોજી હતી. સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના પ્રધાનોએ સરકાર તરફથી સાથે બિનઅનામત વર્ગના ૮ જેટલા લોકોના પ્રતિનિધિમંડળની રજૂઆત અને માંગણી સાંભળ્યા હતા. બિનઅનામત વર્ગના પ્રતિનિધિમંડળમાં રમજુભા જાડેજા, દિનેશ બાંભણીયા, પૂર્વીન પટેલ, યજ્ઞેશ દવે, અમિત દવે, ભરત રાવલ, એ.કે.પટેલ, રાજ શેખાવત સહિતના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા.

        બેઠકમાં ભારતીય બંધારણની જોગવાઇઓ, સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓ સહિતના અનેકવિધ પાસાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બિનઅનામત વર્ગના આગેવાનોએ રાજય સરકારને નવા પરિપત્રને જારી નહી કરવા અને એવો સુધારો કે જેનાથી બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થાય તેવો કોઇ ફેરફાર નહી કરવા સાફ શબ્દોમાં અનુરોધ કર્યો હતો. હવે આજની બેઠક બાદ પણ બિન અનામત વર્ગના લોકોની માંગણી મુદે કોઈ સુખદ ઉકેલ નહીં આવતા બિન અનામત વર્ગની ૨૫૦થી વધુ બહેનોએ ગાંધીનગરમાં આદરેલું આંદોલન યથાવત રહ્યું છે. હવે આવતીકાલે મુખ્યમંત્રી સમક્ષ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની રજુઆત અને સમગ્ર મામલો સાંભળ્યા બાદ સરકાર પોતાનું શું વલણ સ્પષ્ટ કરે છે એની પણ સૌની નજર મંડાઈ છે. સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના પ્રધાનોએ સરકાર તરફથી સાથે બિનઅનામત વર્ગના ૮ જેટલા લોકોના પ્રતિનિધિમંડળની રજૂઆત અને માંગણી સાંભળી હતી. બિનઅનામત વર્ગના પ્રતિનિધિમંડળમાં રમજુભા જાડેજા, દિનેશ બાંભણીયા, પૂર્વીન પટેલ, યજ્ઞેશ દવે, અમિત દવે, ભરત રાવલ, એ.કે.પટેલ, રાજ શેખાવત સહિતના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં ભારતીય બંધારણની જોગવાઇઓ, સુપ્રીમના સંબંધિત ચુકાદાઓ સહિતના અનેકવિધ પાસાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બિનઅનામત વર્ગના આગેવાનોએ રાજય સરકારને નવા પરિપત્રને જારી નહી કરવા અને એવો સુધારો કે જેનાથી બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થાય તેવો કોઇ ફેરફાર નહી કરવા અનુરોધ કર્યો હતો.

(9:29 pm IST)