ગુજરાત
News of Friday, 14th February 2020

મોટેરા સુધી પરિવાહન સેવા માટે હજારો બસને ફાળવાઇ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઇ લોકોને લાવવા તંત્ર સજ્જ : એસટી નિગમની બે હજાર બસો ઉપરાંત, એએમટીએસ અને બીઆરટીએસની પણ સેંકડો બસો દોડાવવા તૈયારી

અમદાવાદ, તા.૧૩ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને ટ્રમ્પની મુલાકાત દરમ્યાન મોટેરા સ્ટેડિયમને ખીચોખીચ ભરેલુ દર્શાવવા અને એક લાખ લોકો એકસાથે ટ્રમ્પને કેમ છો કહી ભવ્ય સ્વાગતનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા લોકોને સ્ટેડિયમ ખાતે લાવવા-લઇ જવા માટે તંત્ર દ્વારા હજારો બસો ફાળવવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં અમદાવાદ-ગાંધીનગર ઉપરાંત, અન્ય ડિવીઝનમાંથી મળી કુલ બે હજાર એસટી બસો ફાળવવાનું આયોજન હાથ ધરાયું છે. તો, શહેરની એએમટીએસ અને બીઆરટીએસની સેંકડો બસો પણ લાકોને લાવવા-લઇ જવા માટે દોડાવવામાં આવશે. આ સિવાય ખાનગી વાહનો મારફતે પણ ભાજપના હજારો કાર્યકરો અને આગેવાનો મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ભારતના પ્રવાસની શરૂઆત ગુજરાતના અમદાવાદથી કરશે.

           જેને લઈ તડામાર તૈયારીઓ અમદાવાદમાં ચાલી રહી છે. તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા યુધ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરી લોકાર્પણ કરવાના છે ત્યારે આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પર ઉપસ્થિત રહેશે. લોકોને લાવવા અને લઈ જવા માટે એસટી નિગમની ૨૦૦૦ બસોને દોડાવવામાં આવશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર ડિવિઝનની ૮૦૦ બસો અને અન્ય ડિવિઝનમાંથી ૧૨૦૦ બસ મંગાવવામાં આવશે. જો કે, એસટી નિગમ પાસે કોઈ વધારાની બસો નથી પરંતુ કાર્યક્રમ માટે ઓછા ટ્રાફિકવાળા રૂટ રદ કરીને ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમમાં બસ દોડાવવા માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. એટલે કે તા.૨૪ ફેબ્રુઆરીના એસટી નિગમની ૨૦૦૦ બસો માત્ર કાર્યક્રમ માટે દોડાવવામાં આવશે. એસટી નિગમની ૨૦૦૦ બસોની ફાળવણી કરવાને લઇ નિગમના સત્તાધીશો દ્વારા આયોજન ચાલી રહ્યું છે.

         કયા ડિવિઝનમાંથી કેટલી બસો આવશે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. એસટીની ૨૦૦૦ બસોની પાર્કિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા સંભાળવામાં આવશે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ બે હજાર એસટી બસના પાર્કિંગ માટેની વ્યવસ્થાનું આયોજન ચાલી રહ્યું છે. આ સિવાય કાર્યક્રમના દિવસે વીવીઆઈપી વાહનોના પાર્કિગની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જેને લઈ એસટી નિગમના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ સાથેની બેઠક યોજીને આયોજન કરવામાં આવી રહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે એસટી નિગમ પાસે ૭ હજાર વાહનો છે જેમાથી બે હજાર બસો તો માત્ર કાર્યક્રમ માટે દોડાવવાની છે. આ જ પ્રકારે એએમટીએસ અને બીઆરટીએસ બસોની પણ ફાળવણી થનાર છે ત્યારે જે રૂટની બસો રદ કરે ત્યાના પ્રવાસીઓને પરિવહન સેવામાં ભારે હાલાકીનો ભોગ બનવુ પડશે તે નક્કી છે.

(8:44 pm IST)