ગુજરાત
News of Wednesday, 14th February 2018

આંકલાવના ઉમેટા ગામની સરપંચની ચૂંટણીમાં મત ન આપતા ચાર શખ્‍સોઅે મહિલાને માર માર્યો

આંકલાવઃ તાલુકાના ઉમેટા ગામે ચૂંટણીમાં મત ન આપતા અેક મહિલાને ચાર શખ્‍સોઅે માર મારતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આંકલાવ તાલુકાના ઉમેટા ગામના બસસ્ટેન્ડ પાસે ગઈકાલે સાંજના સુમારે તાજેતરમાં સંપન્ન થયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં મત આપ્યો નથી તેવી રીસ રાખીને ચાર શખ્સોએ ગડદાપાટુ તેમજ લાકડાના ડંડાથી માર મારતાં અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૪થી તારીખના રોજ ઉમેટા ગ્રામપંચાયતની ચૂંટણી સંપન્ન થઈ હતી. જેમાં રમીલાબેન જીતેન્દ્રસિંહ પઢિયાર અને તેમના ઘરનાઓએ મત નહી આપ્યો હોવાની હિતન્દ્રસિંહ લાલજીભાઈ પઢીયારે અદાવત રાખી હતી. ગઈકાલે સાંજના સાડા સાતેક વાગ્યાના જીતેન્દ્રસિંહ હરિપુરાથી ઉમેટા બસસ્ટેન્ડે આવ્યા હતા. જ્યાં હિતેન્દ્રસિંહ, પપ્પુ ઉર્ફે ઘનશ્યામભાઈ લાલજીભાઈ પઢિયાર, જીતુભાઈ ચંદુભાઈ પઢીયાર તથા દિલાભાઈ ભાઈલાલભાઈ પરમારે ચૂંટણીની અદાવત રાખીને ગમે તેવી ગાળો બોલી ગડદાપાટુનો તેમજ લાકડાના ડંડાથી માર માર્યો હતો.

(6:12 pm IST)