ગુજરાત
News of Thursday, 14th January 2021

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા પર પૂર્ણ પ્રતિબંધ હોવાથી પતંગ ચગાવવાની જગ્યાએ ક્રિકેટ રમીને ઉત્તરાયણ ઉજવે છે

પાલનપુર: ગુજરાતી પ્રજા ઉત્સવ પ્રેમી હોય છે અને તે દરેક તહેવારની ઉજવણી રંગેચંગે કરતા હોય છે. જો કે વર્ષે કોરોના સંક્રમણને પગલે અનેક તહેવારોની ઉજવણી ફિક્કી બની છે. કોરોનાના પગલે સરકારના જાહેરનામાના કારણે ઉત્તરાયણના તહેવાર પર મોટી અસર જોવા મળી રહી છે. ઉત્તરાયણના બે દિવસો ગુજરાતીઓ ધાબા પર હોય છે અને મિત્રો અને પરિવારજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરતાં હોય છે. જો કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં એક એવું પણ ગામ છે, જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ નથી ચગતા. અહીં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે અને ઉત્તરાયણના દિવસે આખુ ગામ ક્રિકેટ રમીને  ઉજવે છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા ફતેપુરા ગામમાં પતંગ ચગાવવા પર પૂર્ણ પ્રતિબંધ છે. અનેક વર્ષોથી અહી પતંગ ચગાવવામાં આવ્યો નથી. અહીં મોટા ભાગના મકાનોની છત પર કઠેડા નથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને આવેલા છે. આથી ભૂતકાળમાં ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકળવા જતા કરંટ લાગવાથી મોતને ભેટવાના અનેક બનાવો બની ચૂક્યા છે.

આજ કારણે ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગામના લોકો પતંગ ચગાવવાના બદલે આખો દિવસ ક્રિકેટ કે અન્ય રમતો રમી પોતાનો સમય પસાર કરે છે. આમ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે કે, જ્યાં વર્ષોથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગામડાના બાળકોના જીવની સુરક્ષા માટે 1991માં ગામના વડીલોએ ખાસ નિયમ બનાવ્યો હતો. જે મુજબ ગામના લોકોને નક્કી કર્યું કે, ઉત્તરાયણના દિવસે ગામનો કોઈ વ્યક્તિ પતંગ નહીં ચગાવે. આમ છતાં જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતા પકડાઈ જશે, તો તેને 5 બોરી કઠોળનો દંડ ભરવો પડશે. નિયમનો આજના દિવસ સુધી કડક અમલ થઈ રહ્યો છે. આટલા વર્ષોમાં કોઈ વ્યક્તિએ પતંગ ચગાવ્યો હોય અને દંડ ભર્યો હોય, તેવો એક પણ બનાવ હજુ સુધી બન્યો નથી.

ઉત્તરાયણના પર્વે જ્યાં એક તરફ દરેક ગામ અને શહેરના લોકો પતંગ ચગાવી ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે, ત્યાં ફતેપુરા ગામના યુવકો ક્રિકેટ રમીને ઉત્તરાયણનો પર્વ મનાવે છે. તેમનું માનવું છે કે, ભાવિ પેઢીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામના વડીલોને કરેલા નિર્ણયનો અમે આજીવન અમલ કરીશું.

(11:51 am IST)