ગુજરાત
News of Wednesday, 13th January 2021

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ શીતલ આઇસ્ક્રીમના માલિક પોલીસના સકંજામાં : ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો

સોલામા સરકારી જગ્યા પચાવવા મામલે 6 આરોપી, એલિસબ્રિજમા પાંજરાપોળની જગ્યા મામલે 3 આરોપી અને સરખેજમાં એક મળી કુલ 10 આરોપી સામે ફરિયાદો

અમદાવાદ : શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ વખત ફરિયાદ નોંધાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. શીતલ આઇસ્ક્રીમના માલિક સહિત 10 વિરુદ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાઇ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પ્રણવ હરીશભાઇ શેઠે આરોપી અહેમદ અલ્લારખા પટેલ (રહે, ચિત્રકૂટ એપાર્ટમેન્ટ, પાલડી )વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે ફરિયાદ મુજબ આરોપી અહેમદ પટેલે ફરિયાદી પ્રણવભાઈની સરખેજ વિસ્તારમાં આવેલી 8030 ચો.મી.જગ્યામાં કબ્જો કરી ગેરકાયદેસર રીતે બાંધકામ કરી શીતલ એસ્ટેટ ગોડાઉન અને દુકાનો બાંધી તેમજ આગળની બાજુ મસ્જિદ બાંધી કિંમતી જમીન પચાવી પાડી હતી.અહેમદ અલ્લારખા પટેલ શીતલ ડેરીના માલિકોમાંથી એક છે. 

આ અંગે ઝોન- 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યુ હતુ કે, આરોપી અહેમદ અલ્લારખા પટેલે સરખેજમાં જમીન માલિક પ્રણવ શેઠની જગ્યા ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવી બાંધકામ કર્યો હતો. આરોપી અહેમદ પટેલ વિરુદ્ધ નવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પુછપરછ ચાલુ છે.સોલા પોલીસ સ્ટેશનમાં છારોડીના રેવન્યુ તલાટી સિદ્ધરાજસિંહ વાઘેલાએ આરોપી નાથાજી રમતાજી, જાલમજી રમતાજી , લક્ષ્મણજી રમતાજી, રાજાજી રમતાજી, અશોક રાજાજી અને લાલાજી રાજાજી વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

જે મુજબ આરોપીઓએ મોજે બ્લોક નંબર 108ની સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ અને કબ્જો કરી ગુનાઇત કૃત્ય આચર્યું હતું. આ જમીન પરથી એસજી હાઇવે પસાર થતા તેની બન્ને બાજુ આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કર્યું હતું. જે દબાણ હટાવ્યા બાદ આરોપીઓએ ફરી દબાણ કરી ગેરકાયદેસર કૃત્ય આચર્યું હતું.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશન નોંધાયેલી અન્ય ફરિયાદમાં અમદાવાદ પાંજરા પોળના કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત રસીક વિરજીભાઈ નંદાસણા (ઉં,63) એ વિરજીભાઈ કાનજીભાઈ દેસાઈ, વિપુલ કાનજીભાઈ દેસાઈ અને બચુભાઇ પૂંજાભાઈ ચુનારા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ કરી છે.

ફરિયાદ મુજબ આરોપીઓએ અમદાવાદ પાંજરા પોળની પોલીટેક્નિક સામે આવેલી 3 હજાર ચો.મી જગ્યામાં આવેલો વાળો ગેરકાયદેસર રીતે છ મહિના થી પચાવી પાડ્યો હતો. આ વાડામાં બહારથી પશુઓ લાવી ઉભા રાખ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના કમ્પાઉન્ડમાં આવેલી જગ્યા પણ આરોપીએ ગેરકાયદેસર પચાવી પાડી તેમાં વાહનો ઉભા રખાવી ગેરકાયદેસર પાર્કિંગ ચાર્જ અને ખાણી પીણીની લારીઓ રાખી તેઓ પાસે ભાડું ઉઘરાવે છે.

ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, આરોપીઓએ જમીન પર કબજો જમાવ્યાની રજુઆત આવી હતી. તપાસમાં ગુનાઇત કૃત્ય ધ્યાને આવતા આરોપીઓ વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટના નવા કાયદા મુજબ અમદાવાદમાં પ્રથમવાર ફરિયાદ નોંધી હતી. આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે

(10:21 pm IST)