ગુજરાત
News of Thursday, 14th January 2021

મુખ્યમંત્રીના નેતૃત્વમાં વધુ એક સિદ્ધિ :ગુજરાત એસ.ટી.ને ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-ર૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧નું સન્માન

ગુજરાત એસ.ટી ને સતત ત્રીજા વર્ષે આ એવોર્ડ ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ મેળવવાની ગુજરાતની હેટ્રીક :૧ લાખ કિલો મીટરે ૦.૦૬ અકસ્માત રેઇટથી મુસાફર સુરક્ષા-સલામતિમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહેતી ગુજરાત એસ.ટી:મુખ્યમંત્રી ,વાહનવ્યવહાર મંત્રી-રાજ્યમંત્રીએ એસ.ટી. નિગમને પાઠવ્યા અભિનંદન:સોમવાર તા.૧૮ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં એવોર્ડ એનાયત કરાશે

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુડ ગર્વનન્સ ક્ષેત્રે ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ ગુજરાત એસ.ટી.ને જાહેર થયેલા ટ્રાન્સપોર્ટ  મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧થી ઉમેરાઇ છે

આ એવોર્ડ અંતર્ગત વિજેતા ટ્રોફી તેમજ રૂ. બે લાખનો પુરસ્કાર કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના હસ્તે નવી દિલ્હીમાં એસ.ટી. નિગમને આગામી સોમવાર તા.૧૮ જાન્યુઆરીએ એનાયત કરવામાં આવશે.
ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ  એન્ડ હાઇવેઝના એસોસિયેશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ  અન્ડર ટેકીંગ દ્વારા ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને સતત ત્રીજીવાર આ ગૌરવ સિદ્ધિથી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ અગાઉ ર૦૧૮-૧૯ના વર્ષનો ટ્રાન્સપોર્ટ  મિનિસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ પણ ગુજરાત એસ.ટી. નિગમે મેળવેલો છે. હવે, ર૦૧૯-ર૦ અને ર૦ર૦-ર૧ના એવોર્ડ સાથે એસ.ટી. નિગમે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવાની હેટ્રીક નોંધાવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વાહન વ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુ તેમજ રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે ગુજરાત એસ.ટી. નિગમના કર્મયોગીઓને આ ગૌરવ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં નાગરિકલક્ષી સેવાઓ અને સરકારના વિવિધ વિભાગોની કામગીરીના સીધા મોનીટરીંગ માટે વિકસાવેલા સી.એમ. ડેશબોર્ડ દ્વારા એસ.ટી. સેવાઓનું સતત મોનીટરીંગ થાય છે. તદ્દઅનુસાર, ઓવર સ્પીડીંગ વાળી બસ સેવાઓની પ્રત્યક્ષ જાણકારી સી.એમ. ડેશબોર્ડને મળતાં જ તેના પર નિયંત્રણ લાવી શકાય છે.
આ મહત્વપૂર્ણ મોનીટરીંગને પરિણામે એસ.ટી. બસોના અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે સરવાળે મુસાફર સુરક્ષા-સલામતિનું દ્યોતક બન્યું છે.
દેશભરના માર્ગ વાહન વ્યવહાર નિગમોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પ્રતિ ૧ લાખ કિલોમીટરે સલામત-સુરક્ષિત અને ઓછામાં ઓછા અકસ્માતથી સંચાલન કરીને ૭પ૦૦ ફલીટ સર્વિસની કક્ષામાં આ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. રાજ્યમાં ૧ લાખ કિલો મીટરે થતા આવા અકસ્માતનું પ્રમાણ સૌથી ઓછું એટલે કે ૦.૦૬ રહ્યું છે.
ગુજરાત એસ.ટી. નિગમ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ વાહનવ્યવહાર મંત્રી અને રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં મુસાફરલક્ષી સેવાઓના અસરકારક વ્યાપથી રોજના ૩૪ લાખ કિલો મીટરના સંચાલનથી રપ લાખ જેટલા મુસાફરોને પરિવહન સેવા સુવિધા પૂરી પાડે છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતને આ એવોર્ડ માર્ગ વાહન વ્યવહાર નિગમોના જૂના અકસ્માતોની માહિતી અને દરનું વિશ્લેષણ કરીને તેમજ સલામત-સુરક્ષિત ડ્રાયવીંગ માટેની વ્યૂહ રચનાના સફળ અમલીકરણથી પ્રાપ્ત થયો છે.
કોરોના મહામારીના સમયમાં પણ એસ.ટી નિગમના કર્મયોગીઓએ માર્ચ-ર૦ થી ઓકટોબર-ર૦ના સમય દરમ્યાન રર૯પ૩ ટ્રીપ દ્વારા અંદાજે ૬.૯૯ લાખ શ્રમિકોને સ્ટેશને પહોચાડવા તેમજ કોરોના વોરિયર્સ કર્મીઓ, અન્ય રાજ્યોના વ્યક્તિઓને તેમના ગંતવ્ય સ્થાને પહોચાડવા અવિરત સેવા આપી છે.
ગુજરાતમાં પાછલા એક દશક ર૦૦૯-૧૦થી ર૦૧૯-૨૦ સુધીમાં આવા અકસ્માતોનું પ્રમાણ ૦.૧૧ થી ઘટીને અત્યંત નીચું ૦.૦૬ થઇ ગયું છે.
ગુજરાત એસ.ટી. કોર્પોરેશન દ્વારા સલામત-સુરક્ષિત ડ્રાયવીંગ માટેની જે વ્યૂહ રચના અમલી બનાવાઇ છે તેમાં Open House દ્વારા દૈનિક ધોરણે Safety Meetings, Safety માટે માસ્ટર ટ્રેઇનરની નિમણૂંક, ડ્રાયવરોના દ્રષ્ટિ, બ્લડ પ્રેશર અને શુગર લેવલનું સમયાંતરે સતત મેડીકલ ચેક અપ, ટ્રેનીંગના આયોજનથી ડ્રાયવરોમાં Disciplined Drivingની વૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે.   એટલું જ નહિ, Overspeeding-Mechanical Breakdown વિગેરે જેવા પરિમાણોની GSRTCના Command and Control Centre દ્વારા સતત મોનીટરીંગ અને જે ડેપો માટે અકસ્માતની સંખ્યા અને ફેટલ અકસ્માત શૂન્ય હોય તેના માટે મોટીવેશનલ સર્ટીફીકેટ અને ઇન્સેન્ટીવનો સમાવેશ થાય છે

(7:47 pm IST)