ગુજરાત
News of Thursday, 14th January 2021

સગીરે બાળકનું અપહરણ કરી ૩૦ લાખની ખંડણી માગી

અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો : અપહરણનો કોલ મળવા સાથે જ એલસીબીની ટીમે સઘન તપાસ હાથ ધરીને બાળકને સલામત રીતે છોડાવી લીધો

અમદાવાદ,તા.૧૩ : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક છ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. છ વર્ષના બાળકના અપહરણનો કૉલ મળતા જ એલસીબી ટીમ એક ક્ષણનો પણ વિચાર કર્યાં વગર દોડતી થઈ ગઈ હતી. ખુદ અમદાવાદ ગ્રામ્યના એસ.પી. વીરેન્દ્ર યાદવ છ વર્ષના બાળકનો જીવ બચાવવા માટે કામે લાગી ગયા હતા. આ તમામ લોકોની મહેનત રંગ લાગી હતી અને છ વર્ષના બાળકને સલામત રીતે છોડાવી લીધો હતો. ક્રાઇમ બ્રાંચ અપહરણના ગુનામાં એક સગીરની અટકાયત કરી લીધી છે. પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે સગીરે એકલા હાથે જ બાળકનું અપહણ કર્યું હતું અને તેના પિતા પાસે ૩૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. અપહરણનુ કારણ કે એવું છે કે જેને જાણીને ખુદ પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી.

       બાળકના અપહરણ બાદ સગીર આરોપી બાળકના પિતાને સતત ઓડિયો સંદેશ મોકલી રહ્યો હતો. એક એડિયો સંદેશમાં જેનું અપહરણ થયું છે તે બાળક એવું કહી રહ્યો છે કે, પપ્પા, ઇન લોગો કો પૈસા દે દો, નહીં તો ભૈયા ઔર મુજે માર દેંગે. અન્ય એક ઓડિયોમાં સગીર આરોપી એવું બોલી રહ્યો છે કે ૧૫ દિવસ પહેલા આના પિતાએ મને લાફો માર્યો હતો. સાથે જ એક ઓડિયોમાં તે એવું પણ કહી રહ્યો છે કે કાલે સવારે ચાર વાગ્યે પૈસા નહીં પહોંચે તો બાળકની હત્યા કરી નાખશે. સાથે જ તે એવી ધમકી પણ આપી રહ્યો છે કે બાળકનો શોધવાનો પ્રયાસ ન કરે. તેના માણસો તેની ઘરના સામે જ છે. ક્રાઇમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે આરોપી એવો ઢોંગ કરી રહ્યો હતો કે તેનું પણ અપરહણ થયું છે. આથી જ તે બાળક પાસે એવું બોલાવી રહ્યો હતો કે તેનું પણ અપહરણ થયું છે અને પૈસા આપી દેવાની માંગણી કરતો હતો. બનાવની વિગતે વાત કરીએ તો એક વ્યક્તિ રાત્રે ૧૧ વાગ્યે પોલીસ પાસે આવે છે અને તેના છ વર્ષના દીકરાનું અપહરણ થયાનું જણાવે છે. વ્યક્તિ એવું પણ કહે છે કે અપરહણ કરનાર વ્યક્તિ ૩૦ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો છે. વ્યક્તિની આવી વાત સાંભળીને પોલી એલર્ટ થઈ ગઈ હતી અને બાળકને બચાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. બાળકના પિતાને અપહરણ કરનાર વ્યક્તિ કોણ હતો તેની ખબર ન હતી પરંતુ તે વારેવારે તેમને ઓડિયા મેસેજ મોકલી રહ્યો હતો.

આ સાથે જ ફોન કરીને રૂપિયા મોકલવા માટે દબાણ કરી રહ્યો હતો. અપહરણકાર બાળકના પિતાને ફોન અને વોઇસ મેસેજ મોકલી રહ્યો હોવાથી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી જાણ્યું હતું કે, આરોપી રેલવે ફાટકની આસપાસ બાળકને લઈને જઈ રહ્યો છે. બાળકનું અપહરણ કરનાર આરોપી સવારે ચાર વાગ્યા સુધીમાં રૂપિયા મોકલવાની વાત કરી રહ્યો હતો. આ ઓપરેશનને એલસીબી પીઆઈ આરજી ખાંટ સતત મોનિટરિંગ કરી રહ્યા હતા.

(7:56 pm IST)