ગુજરાત
News of Wednesday, 13th January 2021

રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાના લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીનો સંવેદનાસભર સંવાદ

લુણાવાડામાં મુખ્યમંત્રી રૂપાણીએ પ્રજા કલ્યાણકારી યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી

લુણાવાડા:કિસાન સુર્યોદય યોજનાનો લોકાર્પણ કરવા માટે લુણાવાડા ખાતે પધારેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાના કેટલાક લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી તેમની સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો. આ સંવાદમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ છબી દેખાતી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાલક માતા પિતા યોજનાના લાભાર્થી બિયાબેન નિતિનભાઇ પટેલને મળી તેમની પાસેથી વિગતો જાણી હતી. બિયા ચાર વર્ષની હતી ત્યારે તેમના પિતાનુ આકસ્મિક અવસાન થયુ હતું. હાલમાં બિયા પોતાના દાદા સાથે રહે છે અને ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. યોજના હેઠળ માસીક રૂા. ૩૦૦૦ ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. જેનાથી દાદા બિપીનભાઇને બિયાના શિક્ષણ અને લાલન પાલનમાં સરળતા રહે છે.
એવિજ રીતે  રૂપાણી કિરણસિંહ લક્ષ્મણસિંહ રાણાને પણ મળ્યા હતા અને તેમના ક્ષેમકુશળ પુછ્યા હતા. હવે તેમને કેમ છે, તેમ કહી શ્રી રૂપાણીએ સારવાની વિગતો મેળવી હતી. રાણા તાજેતરમાં કોરોના ગ્રસ્ત થતા તેમને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ અથાક મહેનત કરીને રાણાને કોરોનાના મુખમાંથી ઉગાર્યા હતા. અહીં તેમની સારવાર એક પણ રૂપિયો ખર્ચા વિના થઇ હતી.
મુખ્યમંત્રીએ ગંગા સ્વરૂપ આર્થીક સહાય યોજનાના લાભાર્થી વાલીબેન કોહ્યાભાઇ આત્મનિર્ભર યોજનાના લાભાર્થી કાંતિભાઇ કાળીદાસ પટેલ તથા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જટીલ દર્દની વિના મુલ્યે સારવાર કું.નાકેદાર ઓવેશ રજાની સાથે પણ સંવાદ સાધ્યો હતો.  

(7:56 pm IST)