ગુજરાત
News of Wednesday, 13th January 2021

સુરતના રિંગરોડ નજીક સેલમાં નોકરી કરતા યુવાને મેનેજરના પર્સમાંથી ચાવી લઇ ગલ્લામાંથી 74 હજાર લઇ રફુચક્કર થઇ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

સુરત: શહેરના રીંગરોડ સ્થિત કૃષિમંગલ હોલમાં ચાલતા સેલમાં નોકરી કરતો યુવાન રવિવારની રાત્રી દરમિયાન ચાર-પાંચ દિવસના વકરાના પૈસા જે સ્ટીલની પેટીમાં હતા તેની ચાવી મેનેજરના પર્સમાંથી કાઢી પેટીમાંથી રૂ.74,000 ચોરી કર્યા બાદ મુકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ હદરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ જુના આરટીઓની બાજુમાં કૃષિમંગલ હોલમાં યોગેશભાઈનું કપડાંનું સેલ ચાલે છે. અહીં મેનેજર તરીકે અમીતગીરી લલુગીરી જયારે ચાર યુવાન અમરજીતગીરી, આશિષ યાદવ, અમઝદખાન અને શૈલેન્દ્ર તિવારી નોકરી કરે છે. યોગેશભાઈ ગત પાંચમીના રોજ કામઅર્થે બહારગામ ગયા હતા. દરમિયાન, ગત રવિવારે રાત્રે સેલ બંધ કરી ચાર પાંચ દિવસના વકરાના રૂ.74,000 સ્ટીલની પેટીમાં અમીતગીરીએ મુક્યા બાદ બધા સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે 9 વાગ્યે અમીતગીરી જાગ્યો ત્યારે અમઝદખાન નજરે ચઢ્યો ન હતો. ઉપરાંત, સ્ટીલની પેટીમાં તપાસ કરતા તેમાં રૂ.74,000 પણ નહોતા.

આથી અમીતગીરીએ ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમાં રાત્રે બધા સુતા હતા ત્યારે અમઝદખાન અમીતગીરીના પર્સમાંથી સ્ટીલની પેટીની ચાવી કાઢી રોકડ ચોર્યા બાદ ફરી મુકતો નજરે ચઢ્યો હતો. રોકડ ચોરી ફરાર થયેલા અમઝદખાન અંગે યોગેશભાઈ સાથે વાત કર્યા બાદ અમીતગીરીએ ગતરોજ અમઝદખાન વિરૂદ્ધ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. 

(5:35 pm IST)