ગુજરાત
News of Wednesday, 13th January 2021

કોરોના મહામારીના કારણે અમદાવાદની પતંગ બજારમાં મંદીનો માહોલઃ ગત વર્ષ કરતા 20 ટકા જેટલો ભાવવધારો પણ નડી ગયો

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ પહેલા ગુજરાતના વિવિધ શહેરોના બજારોમાં માહોલ જામ્યો છે. લોકો છેલ્લી ઘડીની તૈયારીમાં લાગ્યા છે. કોરોનાકાળમાં પણ પતંગ રસિકોમાં ઉત્સાહ યથાવત છે. પરંતુ દર વર્ષ કરતાં લોકોમાં ક્રેઝ ઘટ્યો છે. ઉત્તરાયણ ઉજવવી કે ન ઉજવવી તેની અસમંજસમાં અનેક લોકો છે. તેથી હજી તેઓએ પતંગોની ખરીદી કરી જ નથી. તો બીજી તરફ, ગ્રાહકો ન મળતા વેપારીઓ પણ નિરાશ થઈને દુકાનોમાં બેસી રહ્યાં છે. તેઓ મીટ માંડીને બેસ્યા છે કે, ઉત્તરાયણને હજી થોડા કલાકો બાકી છે, તો ક્યાંક છેલ્લી ઘડીની ખરીદી થઈ જાય. 

રાજ્ય સરકાર દ્વારા ઉતરાયણ પર્વ ઉજવવાની મંજૂરી તો અપાઈ ગઈ છે, સાથે જ એક આકરી ગાઈડલાઈનનું પાલન કરવાની ફરજ પાડી છે કે લોકો મૂંઝવાયેલા છે. ખાસ કરીને સોસાયટી અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ એકસાથે કેવી રીતે ધાબા પર ચઢવું તેની મૂંઝવણ છે. ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર તમામ વયના લોકો હર્ષોલ્લાસથી ઉજવતા હોય છે. ત્યારે હવે ઉત્તરાયણના ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ઠેર ઠેર પતંગ દોરીનું વેચાણ શરૂ થયું છે. મહેસાણામાં પણ ફુવારા વિસ્તારમાં પતંગ બજાર ભરાયું છે. પરંતુ હાલ કોરોનાને લઇ આ પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પતંગમાં ગત વર્ષ કરતા 20 ટકા જેટલો ભાવ વધારો થયો હોવાથી જૂજ ગ્રાહકો જ આવતા જોવા મળ્યા હતા. જેથી હાલમાં તો વેપારીઓ પણ ગ્રાહકોની મીટ માંડીને બેઠેલા જોવા મળ્યા છે. 

દર વર્ષે અમદાવાદમાં ઉત્તરાયણના આગલા દિવસે બજારમાં ભીડ જામતી હોય છે. ત્યારે આ વર્ષે પણ શહેરના પતંગ બજારમાં પતંગ રસિયાઓ ખરીદી માટે પહોંચ્યા છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘરાકી ઓછી હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે. જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ બજારોમાં થોડી રોનક આવશે અને આજે તો ગ્રાહકો આવશે તેવુ વેપારીઓનું માનવું છે. જોકે, દોરી માટેનો ક્રેઝ તો એવોને એવો જ છે. આજે પણ લોકો નજર સામે પાયેલી દોરી લેવાનું પસંદ કરે.

ગાંધીનગરના સેક્ટર 11 ના પતંગ બજારમાં કોરોનાની અસર જોવા મળી. બજારમાં પતંગ અને દોરી ખરીદી નહિવત જેવી થઈ રહી છે. દોરી પીવડાવાની કામગીરી ચાલી રહી છે, જોકે બહુ ઓછા લોકો દોરી પીવડાવા આવતા હોવાની વેપારીઓની ફરિયાદ છે. દર વર્ષ કરતા આ વર્ષે અડધાથી પણ ઓછો વેપાર ધંધો થયો હોવાની વાત વેપારીએ કરી. પતંગ રસિયાઓનું પણ માનવું છે પોલીસની અનેક પ્રતિબંધને કારણે લાઉડ સ્પીકર પર પ્રતિબંધ અને ધાબા પર લોકો ભેગા નહીં થઈ શકે તેના કારણે ઉત્તરાયણનો ઉત્સાહ જોવા નથી મળતો.

તો વડોદરામાં ઉત્તરાયણના તહેવારનો માહોલ જામ્યો છે. પરંતુ ગત વર્ષ કરતાં કોરોનાના કારણે ચાલુ વર્ષે લોકોમાં ક્રેઝ ઘટયો છે. પતંગ અને દોરીની દુકાનો પર લોકોની ઓછી ઘરાકી થઈ છે. આ કારણે દોરીના ભાવમાં 25 ટકાનો  વધારો થયો છે. તો કોરોના છતાં પણ પતંગ રસિકોમાં ઉત્સાહ યથાવત છે. ગોત્રીમાં ભરાતા પતંગ અને દોરી બજારમાં લોકો ખરીદી માટે આવ્યા છે.

(5:09 pm IST)