ગુજરાત
News of Wednesday, 13th January 2021

અમદાવાદના વહેલાલમાં 7 વર્ષના બાળકનું પાડોશી સગીરે અપહરણ કર્યું: મોજશોખ માટે સગીર આરોપીઓ પરિવાર પાસેથી 30 લાખની માંગણી કરી

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે આજે 7 વર્ષના બાળકનું પાડોશી સગીરે અપહરણ કર્યું હતું. બાળકને હેમખેમ છોડાવવા માટે તેણે બાળકના પરિવાર પાસેથી 30 લાખની ખંડણી માંગી હતી. ત્યારે ગ્રામ્ય એસઓજી, એલસીબી, વિવેકાનંદ નગર  કણભા પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને અપહરણ કરનાર 17 વર્ષના સગીરની ધરપકડ કરી હતી. અને અપહ્યત બાળકનો હેમખેમ છુટકારો થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના વહેલાલ ગામમાં હિમાચલ પ્રદેશના નૈનિતાલનો પરિવાર રહે છે. આ પરિવારમાં તેમનો ભાણેજ પણ રહેતો હતો. સગીર વયના આ ભાણેજને ઝડપથી રૂપિયા કમાવવાની લાલચ જાગી હતી. તેને મોજશોખ કરવા હતા. તેથી તેણે પાડોશમાં રહેતા પરિવારના 7 વર્ષના બાળકનું અપહણ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું. બાળકના પિતા દુકાન ધરાવે છે. જેથી તેઓ રૂપિયા આપી શકશે તે હેતુથી બાળકનું અપહણ કર્યું હતું. સગીર મંગળવારે સાંજે 5.30 કલાકે પાડોશી બાળકને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો હતો. જેથી બાળક પણ પરિચિત હોવાથી તેની સાથે એક્ટિવા પર ગયો હતો. તેના બાદ સગીરે તેના પિતાને ફોને કરીને 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

બાળકના પિતાને અપહરણનો ફોન જતા તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યારે અમદાવાદ ગ્રામ્ય Dy.SP કે.ટી. કામરિયા, વિવેકાનંદનગર PI અને તેમની ટીમ તેમજ LCBની એક ટીમે આખી રાત ઓપરેશન પર પાડ્યું હતું. આરોપી સગીરે પોતાના ફોન પરથી જ ખંડણી માંગી હતી. તેથી પોલીસે આખી રાત જાગીને તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે પોલીસે લોકેશનના આધારે તેને પકડી પાડ્યો હતો.

આરોપી સગીર ગેરતપુર-બારેજડી રેલવે ટ્રેક પર બાળકને લઈને બેસ્યો હતો. ત્યારે તેના લોકેશનના આધારે તેને પકડી પાડ્યો હતો. પોલીસને સગીરની વાત પરથી માલૂમ પડી ગયું હતું કે, વાત કોઈ સગીર કરી રહ્યો છે. પરંતું ફોન પર ઓછી વાત કરતો હોવાથી તેને પકડવું થોડું મુશ્કેલ હતું. પોલીસને જોઈને આરોપી સગીરે પોતાના પણ અપહરણ થયું હોવાની ખોટી વાત ફેલાવી હતી. જોકે, આખરે સગીર પકડાયો હતો. કણભા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:08 pm IST)