ગુજરાત
News of Wednesday, 13th January 2021

વડોદરામાં ધો.10માં પાંચ વખત નાપાસ થનાર વિદ્યાર્થીએ દાદાની પ્રેરણાથી એરપોર્ટ ઉપર થતી બર્ડ હિટની ઘટના અટકાવવા ઇગલ પ્‍લેન તૈયાર કર્યુ

વડોદરા: સામાન્ય રીતે આજની યુવા પેઢી ભણવામાં નિષ્ફળ થાય તો જીવન થી હતાશ થઈ ને નહી કરવાનું કરી બેસે છે. પરંતુ વડોદરા શહેરનો એક યુવક ભણવામાં એક વખત નહીં પરંતુ પાંચ પાંચ વખત નિષ્ફળ નીવડ્યો હોવા છતાં હતાશ થવાના બદલે કૈક એવા કારનામા કર્યા કે જેની ચર્ચા સમગ્ર દેશ માં થઈ રહી છે.

વડોદરા શહેરમાં રહેતો અને ધોરણ દસમાં પાંચ પાંચ વખત નાપાસ થયેલો પ્રિન્સ પંચાલ હાલ તેની ગણતરી ભણવામાં નિષ્ફળ વિદ્યાર્થીઓમાં નહીં પરંતુ કૈક નવું કરવાની તમન્ના ધરાવતા વ્યક્તિઓમાં થઈ રહી છે. પ્રિંસે સી પ્લેન બાદ હવે એરપોર્ટ પર થતી બર્ડ હિટની ઘટનાને અટકાવવા માટે ઈગલ પ્લેન તૈયાર કર્યું છે. પ્રિન્સ પંચાલને બાળપણથી જ પ્લેનમાં બેસવાનો તેમજ પ્લેન કઈ રીતે હવામાં ઉડે તે વિશે જાણવાની તીવ્ર ઈચ્છા હતી. જેથી તેને મનમાં મક્કમ વિચાર કરી લીધો કે તે પોતે પ્લેન બનાવશે. પ્રિન્સની આ જિજ્ઞાસામાં તેનો સહકાર તેના દાદાએ આપ્યો અને બસ પછી પ્રિન્સે કરી એક નવી શરૂઆત. શરૂઆતમાં પ્રિન્સે ડ્રોન બનાવ્યા બાદ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેનની આબેહૂબ રેપ્લીકા તૈયાર કરી અને હવે તૈયાર કર્યું છે. ઈગલ પ્લેન. ઈગલ પ્લેન તૈયાર કરવા માટે તેને પ્રેરણા તેમજ પૂરો સાથ સહકાર તેમના દાદાએ આપ્યો છે.

અત્યાર સુધી પ્રિંસે અનેક ડ્રોન તેમજ પ્લેન તૈયાર કર્યા છે. જેમાના સી પ્લેને ભારે ચર્ચા જગાવી હતી. કાંકરિયાથી કેવડિયા સુધીના સી પ્લેન ની શરૂઆત થાય તે પહેલા જ પ્રિંસે વડોદરામાં આબેહૂબ પ્લેન તૈયાર કર્યું હતું.  જેના કારણે તેને દેશભરમાં પ્રસિદ્ધિ હાંસલ કરી હતી. સામાન્ય રીતે પ્લેનને ટેક ઓફ તેમજ લેન્ડિંગ વખતે બર્ડ હિટની દુર્ઘટના થવાની સંભાવનાઓ રહેતી હોય છે. જેને નિવારવા વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરી પક્ષીઓને ભગાડાય છે. આ વિસ્ફોટના કારણે પક્ષીઓના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થતું હોય છે. તેને ટાળવા પ્રિંસે ઈગલ પ્લેન તૈયાર કર્યું છે. ઈગલ પ્લેન આબેહૂબ ઈગલ જેવું જ દેખાય છે અને તેમાંથી ઉત્પન્ન થતા અવાજના કારણે પક્ષીઓ તેની નજીક આવવાનું ટાળે છે. જો ભવિષ્યમાં આ ઈગલ પ્લેનનો ઉપયોગ રન વે પર કરવામાં આવે તો બર્ડ હિટની ઘટનાઓને ટાળી શકાય તેમ પ્રિન્સ પંચાલે જણાવ્યું હતું.

(5:07 pm IST)