ગુજરાત
News of Wednesday, 13th January 2021

મોતના ૧ વર્ષ બાદ માતાને પુત્રની સ્યુસાઇડ નોટ મળીઃ પોલીસે પત્નિ-તેના પ્રેમી સામે ગુનો નોંધ્યો

એપ્રિલ ૨૦૧૯માં લખેલી ચિઠ્ઠી માતાને હવે મળી

અમદાવાદ, તા.૧૩: એક મહિલા અને તેના આશિક સામે આત્મહત્યાની ઉશ્કેરણીનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના પતિએ એપ્રિલ ૨૦૨૦માં જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના માતાને જાન્યુઆરી ૨૦૨૧માં સ્યૂસાઈડ નોટ મળી આવતાં પોલીસે કાર્યવાહી કરી છે.

કેસની વિગતે વાત કરીએ તો, ૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ લીલા જાધવ નામના મહિલા પર આભ તૂટી પડ્યું હતું, કારણકે તેમના ૪૨ વર્ષીય દીકરા મહેશે આપઘાત કરી લીધો હતો. બીજા દિવસે મહેશનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી કાઢવામાં આવ્યો હતો. મહેશે અંતિમ પગલું કેમ ભર્યું તેના વિશે લીલાબેન અજાણ હતા. એક વર્ષ સુધી વિચારતાં રહ્યા કે, આખરે દીકરાએ જીવન શા માટે ટૂંકાવી લીધું? પરંતુ નસીબ જુઓ, ૨૦૨૧માં તેમને પરેશાન કરતાં પ્રશ્નના જવાબ સુધી દોરી ગયું.

જાન્યુઆરી ૨૦૨૧ના પ્રથમ અઠવાડિયામાં લીલાબેન દીકરાનું કબાટ સાફ કરતાં હતા ત્યારે તેમને સ્યૂસાઈડ નોટ મળી આવી. આ સ્યૂસાઈડ નોટ મહેશે આપદ્યાતના એક દિવસ પહેલા એટલે કે ૮ એપ્રિલ, ૨૦૨૦ના રોજ લખી હતી. ગડી વાળીને મૂકેલી ચાદરની અંદરથી મળી આવેલી ચિઠ્ઠીમાં મહેશે લખ્યું હતું કે, તે નપુંસક હોવાથી તેની પત્નીએ તેને ઉશ્કેરવા તેની (મહેશ) નજરો સામે જ પોતાના આશિક સાથે સંબંધ બાંધ્યો હતો.

આ સ્યૂસાઈડ નોટને આધારે પોલીસે મહેશની પત્ની અને તેના આશિક સામે આત્મહત્યાની ઉશ્કેરણીનો કેસ નોંધ્યો છે. શનિવારે વિરામગામ ટાઉન પોલીસ પાસે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, મહેશની પહેલી પત્ની થોડા વર્ષો પહેલા તેને છોડીને જતી રહી હતી. જે બાદ બે વર્ષ અગાઉ તેણે મહારાષ્ટ્રના કલ્યાણની અંબિકા મરાઠે નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. અંબિકાના સંબંધી કિશોર ભીલ આ લગ્નનું માગું લઈને મહેશ પાસે આવ્યા હતા.

મહેશે લખેલી ચિઠ્ઠીમાં ઉલ્લેખ હતો કે, લગ્નના થોડા મહિના બાદ તેને ઈરેકટાઈલ ડિસ્ફંકશન (નપુંસકતા)ની સમસ્યા થઈ હતી. જેના કારણે પત્ની તેને નપુંસક કહીને બોલાવતી હતી. ચિઠ્ઠીમાં મહેશે એમ પણ લખ્યું કે, અંબિકા અવારનવાર કિશોરને તેમના ઘરે બોલાવતી હતી. સ્યૂસાઈડ નોટ અને FIRમાં થયેલા આક્ષેપ મુજબ, મહેશ શારીરિક સંબંધ બાંધવા ઉત્તેજિત થાય તે માટે અંબિકાએ કિશોર સાથે સેકસ કર્યું હતું.

૮ એપ્રિલ ૨૦૨૦ના રોજ મહેશે ચિઠ્ઠીમાં લખ્યું હતું, 'મેં તેમને કહ્યું હતું કે તેમના સંબંધનો અંત આણી દે કારણકે તેનાથી મને તકલીફ થતી હતી. જો કે, તેઓ ના માન્યા અને મારું અપમાન કરતા રહ્યા. તેમણે અટકવાની ના પાડી માટે જ હું આત્મહત્યા કરી રહ્યો છું.'

ચિઠ્ઠી લખ્યાના એક દિવસ બાદ એટલે કે ૯ એપ્રિલ ૨૦૨૦ના રોજ મહેશે તમામ લોકો સાથેના સંપર્ક કાપી નાખ્યા અને ગુમ થઈ ગયો હતો. ૧૦ એપ્રિલના રોજ પોલીસને લખતર પાસેની નર્મદા કેનાલમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. એ વખતે પોલીસે એકિસડેન્ટલ ડેથનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

આપઘાતને એક વર્ષથી પણ ઓછો સમય થયો હતો ત્યારે લીલા જાધવને મહેશના કબાટમાં રહેલી ચાદરમાંથી આ સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. બાદમાં તેમણે વિરમગામ ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે અંબિકા અને કિશોર સામે આત્મહત્યાની ઉશ્કેરણીનો કેસ નોંધ્યો છે.

(3:48 pm IST)