ગુજરાત
News of Wednesday, 13th January 2021

અમદાવાદ મનપાની મહિલા એસ્ટેટ ઓફિસરને મારઝૂડ કરીને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી:સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ: અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના મહિલા સબ ઈન્સ્પેક્ટરે પતિ સહિતના સાસરિયાં વિરુદ્ધ મારઝૂડ, દહેજની માંગણી અને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપ્યાના આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.

 આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 2012થી AMCના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં પૂર્વ ઝોનની કચેરીમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મીનાક્ષી ગોરસિયા (ઉ.28 રહે. નિકોલ)એ 2014માં સંજય ગોરસિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ સુધી સાસરિયાએ સારી રીતે રાખ્યા બાદ પુત્રનો જન્મ થયો હતો.

દિલ્હી ખાતે અભ્યાસ કરતો તેમનો દિયર અને અમેરિકા રહેતી નણંદ ઘરે પરત આવ્યા હતા. નણંદ આરતી, દિયર સંદીપ અને સાસુ પુષ્પાબેન મીનાક્ષીબેને નોકરી છોડી દેવા દબાણ કરતા હતા. જો કે તેમણે નોકરી છોડવાની ના પાડતા અપશબ્દો બોલતા હતા. મીનાક્ષીબેનનો બધો પગાર સાસુ લઈ લેતા હતા.

 અત્યાર સુધી મીનાક્ષીબેને રૂ.20 લાખ આપ્યા હતા. ઘરની નાની વાતોમાં દિયર અને નણંદ તકરાર કરી મીનાક્ષીબેન પર હાથચાલાકી કરતાં સાસુ અપશબ્દો બોલતા હતાં.

 

પતિને વાત કરતા તે પણ ત્રણેનો પક્ષ લઈ મીનાક્ષીબેન તેઓ કહે તેમ કરવા દબાણ કરતા હતા. પતિ-પત્ની બાદમાં અલગ મકાનમાં રહેવા ગયા, ત્યારે પણ પતિ માતાના ઘરે રહેતો હતો. મીનાક્ષીબેન પ્રેગનન્ટ હતા ત્યારે પતિને સાસુના ઘરે જવાની ના પાડતા હાથચાલાકી કરી હતી. Ahmedbabad

મીનાક્ષીબેને કંટ્રોલરૂમમાં ફોન કર્યો પોલીસ આવતા સમાધાન થયું હતું. જોકે પતિ તે પછી મીનાક્ષીબેન પાસે આવતા ના હોઈ તેઓ પિયરમાં જતા રહ્યા હતા. જયાં દીકરાનો જન્મ થયો પણ પતિ ખબર જોવા આવ્યો ન હતો.

10 મહિના પહેલા પતિ સમાધાન કરી મીનાક્ષીબેનને લઈ ગયો હતો. જોકે તે મોટે ભાગે સાસુના ઘરે જ રહેતો હતો. પતિ સહિતના સાસરિયાં મીનાક્ષીબેનને કહેતા તું અમને પૈસા આપ તો જ સારી રીતે રાખીશું.

દિયર મીનાક્ષીબેન અને તેમના પિતાને મારી નાંખવાની ધમકી અને પતિથી છૂટાછેડા લઈ લેવા દબાણ કરી નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપતો હતો. હાલ પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(1:39 pm IST)