ગુજરાત
News of Wednesday, 13th January 2021

ગુજરાત કેડરના નિવૃત IAS અધિકારી મહેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખપદે

સોશિયલ મીડીયા અને આઇ.ટી. સેલને જુદો કરાયો :બંને સેલમાં નવા જ ચહેરાઓને તક : મીડિયા સેલમાં સહ પ્રભારીની જગ્યા ઊભી કરાઇ

અમદાવાદ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સંગઠનના પ્રદેશ હોદ્દેદારો તથા પ્રદેશ પ્રવકતા અને મીડીયા તેમજ સોશિયલ મીડીયા અને આઇ.ટી. સેલના કન્વીનરોના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ નવી ટીમમાં તમામ ચહેરાઓ નવા જ લેવામાં આવ્યાં છે. તેમાંય મહેન્દ્ર પટેલ તો ગુજરાત કેડરના નિવૃત આઇએએસ અધિકારી અને સુરતના પૂર્વ કલેકટર હતા. તેમને પ્રદેશ ઉપપ્રમુખ બનાવીને તેમનો ભાજપમાં પ્રવેશ થયો છે. તેઓ દેશના વડાપ્રધાન  મોદીના ગુડબુકમાં હોવાનું ચર્ચાય છે. બ્રહ્મસમાજના મહામંત્રી યજ્ઞેશ દવેને પ્રદેશ મીડીયાના પ્રભારી તરીકે મૂકયાં છે. તેઓ ભાજપની વિચારધારાને વરેલાં જ હતા. પરંતુ બે વર્ષ પહેલાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇને પક્ષની કામગીરીમાં લાગી ગયા હતા.

 ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા તાજેતરમાં જ પ્રદેશનું માળખું જાહેર કર્યું હતું. તેમાં ઉપપ્રમુખ તરીકે ગોરધન ઝડફીયાને જ યથાવત રાખ્યા હતા. ખાલી રહેલી ઉપપ્રમુખોની બે જગ્યા પરના નામો આજે જાહેર કરવામાં આવ્યા છે. તેમાં ડો. ભરતભાઇ બોઘરા તથા મહેન્દ્રભાઇ એસ. પટેલના નામો જાહેર કરાયા છે.પ્રદેશમંત્રી તરીકે કુ. જયશ્રીબેન લીલાધરભાઇ દેસાઇનું નામ જાહેર કર્યું છે. તે જ રીતે મુખ્ય પ્રવકતા તરીકે ભરત પંડયાના સ્થાને યમલ વ્યાસની નિમણૂંક કરાઇ છે. તેઓ સી.એ. સેલના પ્રમુખ હતા. તેઓ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. અગાઉ પણ તેઓ મીડીયા સેલ સાથે સંકળાયેલા હતા.

પહેલાં મીડીયામાં કન્વીનરની એક જ જગ્યા હતી. આ હોદ્દાની જવાબદારી પ્રશાંત વાળા સંભાળતા હતા. આ મીડીયા સેલમાં એક પોસ્ટ વધારીને બે કરી દેવાઇ છે. જેમાં પ્રદેશ પ્રભારી ઉપરાંત સહ પ્રભારીની જગ્યા ઊભી કરાઇ છે. પ્રભારી તરીકે યજ્ઞેશ દવે અને સહ પ્રભારી તરીકે કિશોર ચૌહાણની નિમણૂંક કરવામાં આવી છે. જયારે સોશિયલ મીડીયા અને આઇ.ટી. સેલને જુદો પાડવામાં આવ્યો છે. આ બંને સેલમાં નવા જ ચહેરાઓને તક આપવામાં આવી છે.

 પ્રદેશ ભાજપમાં આઇ.ટી. સેલ તથા સોશિયલ મીડીયા એક જ હતો. તેના કન્વીનર તરીકે પંકજ શુકલ હતા. પરંતુ આજે બંને સેલ છુટા પાડી દઇને નવા ચહેરાઓને જ તક આપવામાં આવી છે. જેમાં આઇ.ટી. સેલના પ્રદેશ કન્વીનર તરીકે નિખીલ પટેલ તથા સોશિયલ મીડીયાના પ્રદેશ કન્વીનર તરીકે સિધ્ધાર્થ પટેલ તથા સહ કન્વીનર તરીકે મનન દાણીના નામો જાહેર કરાયા છે

(12:16 am IST)