ગુજરાત
News of Wednesday, 13th January 2021

શિક્ષકોની જિલ્લાની આંતરિક ફેરબદલી ઓનલાઇન સીસ્ટમથી કરવા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો

અરજીઓ મળ્યા બાદ કમ્પ્યુટર સોફ્ટવેરના માધ્યમથી જ શિક્ષકોની બદલી કરાશે

અમદાવાદ : શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણંય લેતા હવેથી શિક્ષકોની જિલ્લાની આંતરીક ફેરબદલી કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમથી કરવાનો નિર્ણય લેવાયો છે. હવે બદલી માટેની અરજીઓ મળ્યા બાદ કમ્પ્યુટર સોફ્ટવેરના માધ્યમથી જ શિક્ષકોની બદલીઓ કરવામાં આવશે. આમ, અગાઉ બદલીઓને લઈને વિભાગના અધિકારીઓ સામે આંગળીઓ ચિંધાતી હતી તેને અટકાવવા અને પારદર્શક રીતે બદલી થાય તે માટે કમ્પ્યુટર દ્વારા જ બદલીઓ થશે. આ માટે ઓનલાઈન ખાલી જગ્યાની વિગતો નાંખ્યા બાદ શિક્ષકો અરજી કરશે. ત્યાર બાદ અરજીની ચકાસણી કરી માન્ય અરજીઓ પૈકી કમ્પ્યુટર દ્વારા બદલીના હુકમો આપવામાં આવશે.

પ્રાથમિક શિક્ષકોની માંગણીની બદલીઓ કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમથી ઓનલાઈન બદલીઓ કરવા અંગેનો કાર્યક્રમ તૈયાર કરાયો છે. જેના માટે સૌપ્રથમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વેબસાઈટ પર જઈ લોગીન કરવાનું રહેશે. ત્યારબાદ ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે. 31 ઓગસ્ટ, 2020ની સ્થિતીએ મંજુર મહેકમ પ્રમાણે 31 ડિસેમ્બર, 2020ની સ્થિતીએ ખાલી જગ્યાઓ ધ્યાને લઈ તે મુજબની ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે. ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કર્યો છે તેવા શિક્ષકો પૈકી છુટા ન થયેલા હોય તે કિસ્સામાં શિક્ષકને હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે.

ઉપરાંત આંતરીક કે જિલ્લા ફેરબદલી થયેલી હોય અને 10 ટકાથી વધુ ખાલી જગ્યાના કારણે છુટા કરવામાં આવ્યા ન હોય તો તેવા કિસ્સામાં મુળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે. જે પ્રાથમિક શિક્ષક આંતરીક બદલી કરાવવા ઈચ્છતા હોય તેમણે વેબસાઈટ પર વિગતો ભરી ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે. કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ કાઢી તે નકલમાં શાળાના મુખ્ય શિક્ષકના સહી સિક્કા મેળવવાના રહેશે. ત્યારબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવાના રહેશે

આધાર પુરાવાની ચકાસણી કરી અરજીની પહોંચ આપવાની રહેશે. અરજી મંજુર-નામંજુર કરીને 6 ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ મોકલવાની રહેશે. ત્યાર બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 10 ફેબ્રુઆરી સુધીમાં અરજીઓ એપ્રુવલ અથવા રિજેક્ટની કાર્યવાહી ઓનલાઈન કરવાની રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા નિયમોનુસાર બદલી પાત્ર સંબંધિત શિક્ષકોની બદલીના ઓર્ડર તૈયાર થશે. બદલી ઓર્ડર શિક્ષકોએ વેબસાઈટ પરથી જાતે જ મેળવી લેવાનો રહેશે. શિક્ષકોએ ઓનલાઈન શાળા પસંદગી કરતી વખતે ડાયસ કોડ અને શાળાનું નામ પસંદ કરતી વખતે પુરતી કાળજી લેવાની રહેશે. પસંદગી મુજબ થયેલા ઓનલાઈન બદલી હુકમ રદ કરાશે નહીં

ઓનલાઈન બદલી અંગેનો કાર્યક્રમ જાહેર કરાયો છે જે મુજબ 15 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી જિલ્લા દ્વારા ખાલી જગ્યા ઓનલાઈન ભરાશે. 19થી 22 જાન્યુઆરી દરમિયાન ખાલી જગ્યાનું વેરીફીકેશન, 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી ચકાસણી, 28થી 30 જાન્યુઆરી મોડીફીકેશન, 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી આંતરીક બદલી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. 3થી 6 ફેબ્રુઆરી દરમિયાન તાલુકા દ્વારા ચકાસણી, 7થી 10 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાકક્ષાએ એપ્રુવલ અપાશે. 11થી 13 ફેબ્રુઆરીએ ડેટા વેરીફીકેશન થશે અને 14 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન આંતરીક બદલીના હુકમો ઓનલાઈન મેળવી લેવાના રહેશે.

(9:18 am IST)