ગુજરાત
News of Sunday, 14th January 2018

સુરતના વાઇનશોપમાં બુટલેગર દ્વારા દારૂના વેચાણનો પર્દાફાશ : સ્ટેટ મોનીટરીંગ સેલનો ચોકબજારમાં દરોડો : બુટલેગર, વાઇનશોપના માલિક, પીએસઆઇ, કોન્સ્ટેબલ સહીત સાતની ધરપકડ

સુરત ;સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી વાઇનશોપમાં બુલેગર દ્વારા દારૂના વેચાણનો પર્દાફાશ થયો છે જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચોકબજારમાં આવેલી વાઇનશોપમાં દરોડો પાડીને બુટલેગર વાઇનશોપના માલિક નશાબંધી શાખના પીએસીઆ અને કોન્સ્ટેબલ સહીત સાત લોકોની ધરપકડ કરાઈ છે જેના પગલે પોલીસે બેડામાં ચકચાર આમચી જવા પામી છે જાણવા મળતી વિગતો મુજબ વાઇનશોપમાંથી બારકોટેડ દારૂ બુટલેગર વેચતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરતના ચોકબજાર વિસ્તારમાં દરોડો પાડી આખા ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો જેમાં બુટલેગર ઉપરાંત વાઇનશોપના માલિક તેમજ નશાબંધી અને આબકારી ખાતાના એક પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ મળી કુલ 7ની ધરપકડ કરી છે.

    સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમી મુજબ ચોકબજાર પોલીસ મથકની હદમાં વેડ રોડ પર સરદાર હોસ્પિટલ નજીક મોદી નામનો બુટલેગર વાઇનશોપના દારૂનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પો.ઈ. એન.એસ. ચૌહાણ, ક્રિશ્ચિયન અને પીએસઆઈ ગોહીલે દરોડો પાડ્યો હતો.જેમાં બુટલેગર મોદીને ત્યાંથી બારકોડેડ દારૂની બોટલ હાથ લાગી હતી.આ ટીમે તપાસ કરતા એવું ખુલ્યું હતું કે લાલગેટ પાસે એચ. એન્ડ એચ. સન્સના નામે વાઇનશોપ ધરાવતા ચીનીવાલાને ત્યાંથી આ દારૂ આવ્યો છે. જેથી આ ટીમે ચીનીવાલાની વાઇનશોપમાં તપાસ કરી હતી. વાઇનશોપના સીસીટીવી કેમેરામાં આ બુટલેગર મોદી અન્ય વ્યક્તિની પરમિટ લઈ દારૂ ખરીદવા આવતો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી વાઇનશોપના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન વાઇનશોપમાં પરમિટધારકને જ દારૂ મળે છે કે કેમ એ તપાસ કરવા માટે નશાબંધી અને આબકારી ખાતાના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલને ફરજ સોંપવામાં આવે છે.આ વાઇનશોપની ફરજ જેમના પર હતી તે ફોજદાર હીરપરા અને કોન્સ્ટેબલ રબારીની પણ બુટલેગર મોદી જ્યારે અન્યની પરમિટ પર દારૂ ખરીદવા આવે છે ત્યારે આ બન્નેની ત્યાં હાજરી હતી જેથી તે બન્નેને પણ આરોપી બનાવાયા છે. બુટલેગરને ત્યાંથી બુટલેગર સિવાય અન્ય ત્રણ, એક વાઇનશોપનો માલિક અને આ બે અધિકારી મળી કુલ 7ની ધરપકડ કરી ચોકબજાર પોલીસને સોંપી દેતાં વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.
નોંધપાત્ર બાબત એ છે કે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વાઇનશોપમાં તપાસ કરી રહી હતી ત્યારે વાઇનશોપની તદ્દન બાજુમાં ફૂટપાથ પરથી પણ બારકોટેડ દારૂની બોટલો મળી આવી હતી. જે પણ આ જ દુકાનમાંથી વેચાઈ હોવાનું ફલિત થયું હતું.

(6:24 pm IST)