ગુજરાત
News of Sunday, 14th January 2018

સુરતના કાપોદ્રાના કપાતર પુત્રઅે માતાના ૪.૪૦ લાખના ઘરેણા ચોર્યાઃ પોલીસ ફરિયાદ થતાં ગુનો નોંધાયો

સુરતઃ સુરતના કાપોદ્રામાં પુત્રએ મોજશોખ કરવા માટે ઘરમાંથી જ માતાના ઘરેણાં ચોર્યા હતા. મિત્ર સાથે ૪.૪૦ લાખના ઘરેણાં ચોર્યા બાદ સોનીને વેચી દીધા હતા. કાપોદ્રા પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કાપોદ્રા-હીરાબાગ ખાતે સરગમ કોમ્પલેક્સ ખાતે રહેતા મુકેશભાઇ પોપટભાઇ ખૂંટ (ઉ.વ.૪૬, મૂળ જીરાગઢ, ધોલિયા, જામનગર) હીરાની મજૂરી કરે છે. કાપોદ્રા પોલીસમાં તેમણે સગા પુત્ર દ્વારકેશ (રહે- સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટ, ધરમનગર રોડ, કાપોદ્રા) સામે ફરિયાદ આપી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દ્વારકેશે ઘરમાંથી જ માતાના સોનાના ઘરેણાં ચોરી લીધા હતા.

ઘરમાં રાખેલા દાગીના ટૂકડે-ટૂકડે ચોરી કરી લીધા હતા. ૪.૪૦ લાખ રૃપિયાના આ દાગીના મિત્ર અભિ ઉર્ફે જન્નત લુખીને આપી દીધા હતા અને આ ઘરેણાં ભવાની જ્વેલર્સવાળા સોની હિતેશભાઇને વેચી દીધા હતા. ચોરીના દાગીના છતાં સોની હિતેશભાઇએ ખરીદ્યા હતા. બનાવ અંગે મુકેશ ખૂંટે ફરિયાદ આપતા પોલીસે દ્વારકેશ મુકેશ ખુંટ, અભી ઉર્ફે જન્નત લુખી અને સોની હિતેશભાઇ (રહે- અશોકા વાટિકા સોસાયટી, કાપોદ્રા) સામે ફરિયાદ પોલીસે તપાસ આદરી છે.
 

(3:47 pm IST)