ગુજરાત
News of Sunday, 14th January 2018

વડોદરા પશુપાલકોનો પોલીસ પર હુમલો: જાનથી મારી નાખવાની ધમકી

વડોદરા: શહેરના ગોત્રી રાજેશ ટાવર પાસે રખડતાં ઢોર પકડવા ગયેલા સ્ટાફને પશુપાલકોએ આંતરી લોખંડના સળિયા મારી કારના કાચ તોડી નાખ્યા હતા. ફરીથી ગાયો પકડવા આવશો તો એકેયને જીવતા નહીં જવા દઇએ કહી એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ આવતાં હુમલાખોરો ભાગી ગયા હતા. દબાણ શાખાના ઇન્સ્પેક્ટરે અજલા ભરવાડ સહિત આઠ સામે ફરિયાદ કરતાં પોલીસે રાયટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મનપાના દબાણ અને સિક્યુરિટી શાખાની ટીમના કર્મચારીઓ પોલીસ પ્રોટેકશન સાથે સુભાનપુરા હાઇટેન્શન રોડ પર રાત્રે ઢોર પકડવા ગયા હતા. મોડી રાત્રે વાગ્યાના સુમારે ઢોર પાર્ટી રાજેશ ટાવર રોડ સાંઇનાથ પ્લાઝા પાસેથી પસાર થતી હતી ત્યારે અજલો ભરવાડ નામનો શખ્સ બીજા ભરવાડ યુવકો સાથે બાઇક લઇને ધસી આવ્યો હતો. હાથમાં લાકડાના ધોકા સાથે ગયેલા પશુપાલકોએ એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટરની બોલેરો કારને આંતરી અજલા ભરવાડે ઉશ્કેરાઇને લોખંડનો સળિયો સરકારી કારના કાચ પર મારી તોડી નાખ્યો હતો અને હવે પછીથી ગાયો પકડવા આવ્યા તો એકેયને જીવતો નહી જવા દઇએ તેવી ધમકી આપી હતી. દરમિયાન પાછળની કારમાં પોલીસ દોડી આવતાં અજલો અને તેના સાગરીતો ભાગી છૂટ્યા હતા. બાપોદ તળાવ પાસે ગત સોમવારે બપોરે રખડતી ગાયો પકડવા ગયેલી ઢોર પાર્ટીને પશુપાલકોએ અડચણ ઉભી કરી હતી. બંદોબસ્તમાં હાજર પીએસઆઇ સાથે ઝપાઝપી કરી પોલીસ મોબાઇલ પર પથ્થરમારો કરી કાચ તોડ્યો હતો. ટ્રાફિક કોન્સ્ટેબલે પશુપાલકો સામે ફરિયાદ કરતાં રાયટિંગનો ગુનો નોંધાયો હતો.

(10:50 am IST)