ગુજરાત
News of Friday, 13th December 2019

સામાજિક સમરસતા માટે સરકાર પ્રતિબદ્ધ :મુખ્યમંત્રી વિજય રૂપાણી

વિધવા સહાય પેન્શન યોજનાનું નામ બદલાશે : યોજનાનું નામ ગંગાસ્વરુપ બહેનોને સહાયતા રહેશે : જે લોકોએ સ્વજન ગુમાવ્યું છે તેની વ્યથા સરકારે સમજી છે

અમદાવાદ,તા.૧૩  : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની સાત હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના મંજુરીના હુકમોનું એકજ સ્થાનેથી વિતરણ કરતાં જણાવ્યું કે, વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના તરીકે નામકરણ કરાશે. ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રને એક જ સ્થળેથી ૭ હજાર બહેનોને વિધવા પેન્શન હુકમો એનાયત કરવા બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રીને આ અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે, તેની વ્યથા સમજીને નોધારાનો આધાર રાજય સરકાર બની છે.

              અમારા માટે સત્તા એ સેવાનું સાધન છે, માણવાનું નહિ એમ તેમણે જણાવ્યું હતું. સરકારે પારદર્શિતા સાથે નિર્ણાયક સરકારનો અહેસાસ કરાવ્યો છે. સંવેદના સાથે પ્રજાજનોની વેદનાને વાચા આપી છે. પ્રજાની વેદના-આકાંક્ષાઓની આપુર્તિ કરવાની  પ્રતિબદ્વતા તેમણે દર્શાવી હતી. વિજય રૂપાણીએ બહેનો પ્રત્યેની ધારાસભ્યની સેવાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિધવા ગંગા-સ્વરૂપ બહેનોને મદદરૂપ બનવા રાજય સરકારના સેવા કાર્યમાં ધારાસભ્ય આગળ આવ્યા છે. તેમણે હળપતિ સમાજના સમુહલગ્ન કરીને કચડાયેલા સમાજની ચિંતા કરી છે. ગરીબોને સહાય, મકાન મળે એ સંવેદનશીલતા સાથે એક ધારાસભ્યે સરકારની વિકાસગાથાને ગૌરવાવિંત કરી છે. રાજય સરકારે યોજનાઓ બનાવી તેનો લાભ છેવાડાના માનવીને પ્રાપ્ત થાય તેનું પ્રજાહિત કાર્યની સરકારે જવાબદારી નિભાવી છે. સરકારે પારદર્શિતા સાથે લોકો સુધી યોજનાઓને પહોંચાડી છે.

                કોઇને ય વચેટિયા-દલાલોનો આશરો લેવો પડતો નથી અને સહાય સીધી જ લાભાર્થીના હાથમાં જાય છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. ગરીબોની વ્યથાના નિરાકરણ માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે સરકારે પહેલ કરી છે. ગુજરાતની માથાદીઠ આવક બે દાયકા પહેલા ૧૬ હજાર હતી જે આજે પોણા બે લાખ થઇ છે. લોકોની પ્રજાહિત સવલત માટે તમામ ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબરે હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાનાના ભાવથી સેવા ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ હરેક ક્ષેત્રમાં માતબર રકમ ફાળવીને સૌના વિકાસની ચિંતા કરી છે. આજે રાજ્યનું બજેટ ર લાખ કરોડથી વધારેનું છે તેની પણ તેમણે ભૂમિકા આપી હતી. ગુજરાત  ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમાં આગળ છે, તેની સાથે સામાજિક સમરસતાની ચિંતા કરીને શોષણમુકત સમાજ નિર્માણ તરફ ગુજરાત આગળ વધ્યું છે.

                  રાજય સરકારે દિવ્યાંગો, વૃદ્વો, વિધવા, ગરીબો માટે યોજનાઓ બનાવી સામાજિક ઉત્થાનની ભાવના સાથે સમૃદ્વ સમાજના નિર્માણ માટે વ્યથાઓને વ્યવસ્થામાં બદલી છે. વિધવા સહાય પેન્શન હુકમો વિતરણ માટે એક જ સ્થળે સિદ્વિ હાંસલ કરવા બદલ મુખ્યમંત્રીશ્રીના હસ્તે  ઓલપાડ ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલને સન્માનિત કરાયા હતા. મહિલા અને બાળ કલ્યાાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ ઐતિહાસિક ઘટના ગણાવી જણાવ્યું હતું કે, સાત હજાર જેટલી વિધવા બહેનોને પેન્શનના હુકમો એનાયત થયા છે. પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલનને કારણે સુરત જિલ્લો વિશ્વ નકશા પર પ્રસ્થાપિત થયો છે.

(9:25 pm IST)