ગુજરાત
News of Friday, 13th December 2019

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વણીયાદ કોકાપુર ગામે ૨૦૦ વિઘામાં બટાકા નહીં ઉગતા ખેડૂતો હેરાનઃ નકલી બિયારણ હોવાની આશંકા

અરવલ્લી :અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા વણીયાદ કોકાપુર ગામે ૨૦૦ વિગામાં કરાયેલુ બટાકાનું વાવેતર 20 દિવસ બાદ પણ નહિ ઉગતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે. વાવેતર જમીનમાં કોહવાઈ જતા નકલી બિયારણ હોવાની આશંકા ખેડૂતોએ વ્યક્ત કરી છે. આમ, આ ગામના ખેડૂતો નુકસાન ભોગવીને મુસીબતમાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં મોટાપાયે બટાકાનું વાવેતર થાય છે. જેમા હાલ અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં બટાકાનું વાવેતર કર્યું છે. 

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા વણીયાદ કોકાપુર ગામના ખેડૂતોએ ચાલુ રવિ સીઝનમાં એલાર બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ આઈટીસી કંપનીના એલઆર બટાકા પાછળ એક વીઘાએ 24000 રૂપિયાનું બિયારણ, 5000 રૂપિયાનું ખાતર, 2000 રૂપિયાની દવાઓ તેમજ 2000 રૂપિયાની મજૂરી સહિત કુલ ૩૩૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ખેડૂતોએ આ બટાકાનું ૨૦ દિવસ આગાઉ વાવેતર કર્યું હતું. તેમ છતાં આજે ૨૦ દિવસ બાદ પણ વાવેતર કરેલા બટાકા નહિ ઉગતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.

20 દિવસ બાદ જમીનમાં કોઈ હલચલ ન દેખાતા ખેડૂતોએ જમીનમાં ખોદી જોયું તો બટાકાનું બિયારણ જમીનમાં જ કોહવાઈ ગયું છે. જેના કારણે આ ખેડૂતોને બિયારણ માથે પડતા લાખોનો ખર્ચ માથે પડતા રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ આ મુદ્દે નકલી બિયારણ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ત્યારે બિયારણના નામે ખેડૂતો છેતરાઈ રહ્યાં છે તેવુ ખેડૂતોએ જણાવ્યું. સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

(5:22 pm IST)