ગુજરાત
News of Thursday, 13th December 2018

GNLU સ્ટાફ દ્વારા ડાયરેક્ટર બિમલ પટેલ વિરુદ્ધ હાઇકોર્ટમાં રાવ :સત્તાનો દુરઉપયોગનો આક્ષેપ

ડાયરેક્ટરની નિમણુંક પ્રક્રિયા રજિસ્ટ્રારના હાથમાંથી છીનવી નિયમ ભંગ કરી હોદ્દો ચાલુ રાખ્યો

અમદાવાદ :ગુજરાત નેશનલ લો યુનીવર્સીટીના ડાયરેક્ટર બિમલ પટેલ સામે GNLU સ્ટાફના ત્રણ સભ્યોએ ગુજરાત હાઇકોર્ટમાં રાજુઆત કરી છે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે બિમલ પટેલ પોતાનો કાર્યકાળ વધારવા માટે સત્તા અને પોસ્ટનો દુરઉપયોગ કરી રહ્યા છે અને આ માટે બિમલ પટેલે ડાયરેક્ટરની નિમણુંક પ્રક્રિયા હાથ ધરવાની જવાબદારી રજિસ્ટ્રારના હાથમાંથી દૂર કરી નિયમોનો ભંગ કરી પોતાનો હોદ્દો ચાલુ રાખ્યો છે.

  ફરિયાદમાં સ્ટાફ દ્વારા લખવામાં આવ્યું છે કે,હાલના ડાયરેક્ટર દ્વારા સત્તા અને હોદ્દાનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને અમે એક્ઝિક્યૂટીવ કાઉન્સિલને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક પગલા લઈને નવા અથવા ઇન ચાર્જ ડાયરેક્ટરની નિમણૂંક કરવામાં આવે. સ્ટાફ મેમ્બર્સએ ફરિયાદમાં લખ્યું છે કે બિમલ પટેલે અમારા કોલ, મેસેજ અને ઈમેલનો જવાબ આપ્યો નથી કારણ કે અમે તેમની કાર્યકાળની સમાપ્તિનો અહેવાલ મોકલ્યો છે અને બિમલ પટેલે તેમના પર લગાડવામાં આવેલા આરોપોનો પણ જવાબ આપ્યો નથી. પટેલે સ્ટાફને એવો ઈ મેલ કર્યો હતો કે 'રજીસ્ટ્રારની સત્તાઓમાં માત્ર એડમિશન અને કોન્વોકેશન જ થોમસ સર કરશે અને અન્ય સત્તાઓ ડેપ્યૂટી રજીસ્ટ્રાર ભાગી સર કરશે.'

 સ્ટાફ દ્વારા GNLU રજિસ્ટ્રાર થોમસ મેથ્યુને છેલ્લા એક અઠવાડિયાથી કૉલ્સ અને મેસેજ કરવામાં આવ્યા હતા પણ તેમણે કોઈ જવાબ આપ્યો નથી, એવું ફરિયાદમાં સ્ટાફે લખ્યું છે. તેમણે રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું છે કે "યુનિવર્સિટીના ડાયરેક્ટરને ચાલુ રાખવા માટે ડાયરેક્ટરે ફેક્ટસને દબાવ્યા છે, નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને કાર્ય પદ્ધતિનો પણ ભંગ કરી અને કાર્યવાહી વિલંબિત કરી છે.'

૨૦૧૭થી GNLU ઇન્સ્ટીટયૂશન રેન્કિંગમાં ભાગ નથી લઇ રહી એનું કારણ છે કે ટીકાઓ રોકવાના ડરથી આ પગલું ભરવામાં આવી રહ્યું છે. અમે વિનંતી કરીએ છીએ કે એક્ઝિક્યૂટીવ કાઉન્સિલની તાત્કાલિક મિટિંગ થાય અને વર્તમાન ડાયરેક્ટર દ્વારા થઇ રહેલી ગેરકાયદેસર ગતિવિધિઓ રોકવા માટે બધાને જાણ કરવામાં આવે. આ સ્ટાફે એક્ઝિક્યૂટિવ કાઉન્સિલના દ્વારા કરવામાં આવેલા ઠરાવ પર પણ વિરોધ જાહેર કર્યો છે જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બિમલ જ્યાં સુધી નવા ડાયરેક્ટર નવા આવે ત્યાં સુધી ડાયરેક્ટર તરીકે ચાલુ રહેશે.

આ મુદ્દે બિમલ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ એમણે કોઈ જવાબ આપ્યો ન હતો

(2:26 pm IST)