ગુજરાત
News of Saturday, 13th November 2021

કોલસો આયાત કરતી કંપનીને અમદાવાદના બે વેપારીઓએ કરોડોનો ચૂનો લગાવ્યો

હળવદ નજીક એક પેપરમીલ અને એક પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાનું જણાવી અગ્રવાલ કોર્પોરેશન પાસેથી બે હજાર ટન કોલસો લીધો

અમદાવાદના કોલસા વેપારી સાથે બે વેપારીઓએ કરોડો રુપિયાનો ચૂનો લગાવ્યો હતો. કોલસો આયાત કરતી અગ્રવાલ કોલ કોર્પોરેશન પ્રા લિ.ને અમદાવાદના બે વેપારીઓએ હળવદ નજીક એક પેપરમીલ અને એક પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાનું જણાવી અગ્રવાલ કોર્પોરેશન પાસેથી બે હજાર ટન કોલસો લીધો હતો. આ બનાવને લઈ કંપનીના મેનેજરે નવરંગપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ફરિયાદીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

જીગ્નેશ પટેલે જણાવ્યું છે કે, તેમની કંપની વિદેશથી દેશના જુદા જુદા બંદરો ઉપર કોલસાની આયાત કરીને દેશમાં તેનું વેચાણ કરે છે. તેમની કંપની કોઈપણ કંપનીને કોલસો આપતા પહેલા તેની સંપૂર્ણ વિગતો મેળવી લઈ જે તે કંપની કે ગ્રાહકનું કેવાયસી તૈયાર કરી એક કસ્ટમર કોડ જનરેટ કરે છે અને તેના આધારે જ કોલસાનો વેપાર કરે છે. જો કોઈ પણ વિગત અધૂરી હોય તો એવી કંપની કે ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવતો નથી.

વધુમાં તેઓેએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેમના ઉપર પાવરટેક ઇન્ડસ્ટ્રીઝ પ્રોપરાઇટર ફોર્મ તરફથી આનંદ પટેલનો જીગ્નેશ ઉપર ફોન આવ્યો હતો અને તેમની હળવદ નજીક એક પેપરમીલ અને એક પાવર પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે અને તેના માટે તેમને દર મહિને ચાર હજાર ટન કોલસાની જરૂર પડશે તેવી વાતચીત કરી હતી તથા કોલસા માટે ઓર્ડર આપવા માટેની પણ ચર્ચા કરી હતી.

જીગ્નેશે કંપનીની પોલિસી જણાવતા આનંદ પટેલ દ્વારા કંપનીના તમામ ડોક્યુમેન્ટ અને તેમણે માંગેલી તમામ વિગતો પૂરી પાડવામાં આવી હતી. તમામ ફોર્માલિટી પૂરી થઇ ગયા બાદ જીગ્નેશ પટેલે આનંદ પટેલની કંપનીને નવલખી બંદર મોરબી નજીકથી કોલસો આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુન્દ્રાથી પણ કોલસાની ટ્રકો ભરી આપવામાં આવી હતી. દર વખતે ઓર્ડર આપવામા આવતો હતો તેમ ચેક પણ આપવામાં આવતા હતા. પરંતુ જ્યારે કંપની દ્વારા ચેક બેંકમાં જમા કરાવવામાં આવ્યા ત્યારે સ્ટોપ પેમેન્ટ કરી દેવામાં આવી હોવાનું જાણી શકાયું હતું.

જોકે આ દરમિયાન પાવરટેક ઇન્ડસ્ટ્રીઝના આનંદ પટેલ અને અજય મોદી 2000 ટન કોલસો લઈ ચૂક્યા હતા. જેની કિંમત 1.29 કરોડ થાય છે જે પૈકી માત્ર 9.72 લાખ રૂપિયા અગ્રવાલ કોલ કોર્પોરેશનને મળ્યા છે. બાકીના1.19 કરોડો રૂપિયા આનંદ પટેલ અને અજય મોદી આપતા નથી માટે તેમની વિરુદ્ધ નવરંગપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

(12:26 am IST)