ડીસા APMCના ડીરેક્ટર અને રબારી સમાજના મોભી નાગજીભાઈ ખટાણાનું હાર્ટ એટેકથી નિધન
અંતિમ યાત્રામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ સહિત આગેવાનો જોડાયા
બનાસકાંઠામાં ડીસાના દામા ગામના અને ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર નાગજીભાઈ દેસાઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં રબારી સમાજે એક હોનહાર આગેવાન ગુમાવ્યો છે. શનિવારે નિકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
ડીસા તાલુકાના દામા ગામના પૂર્વ સરપંચ, જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને ડીસા માર્કેટયાર્ડના ડીરેકટર, રબારી ગોપાલક છાત્રાલય ડીસાના ટ્રસ્ટી તેમજ રબારી સમાજના મોભી આગેવાન નાગજીભાઇ માધાભાઈ દેસાઈ (ખટાણા)નું હૃદય રોગનો હુમલો (હાર્ટ એટેક) આવતા દુઃખદ અવસાન થયું હતું
દામા ખાતે રાજકીય, સામાજીક અને સહકારી આગેવાનો સહિત રબારી સમાજના લોકો પહોંચી ગયા હતાં. નાગજીભાઈ દેસાઈની અંતિમ યાત્રામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ સહિત આગેવાનો જોડાયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગજીભાઈ દેસાઈ સરપંચના હુલામણા નામથી ઓળખાતા હતાં. તેમજ તેઓના મિલનસાર સ્વભાવના લીધે રબારી સમાજ સહિત આસપાસના ગામોમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી