ગુજરાત
News of Wednesday, 13th November 2019

અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટમાં યોજાનાર ફ્લાવર શો જોવા માટે આ વખતે રૂૂ.૧૦ના બદલે રૂૂ.૨૦ એન્ટ્રી ફી ચૂકવવી પડશે

અમદાવાદ :અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટના ફ્લાવર પાર્કમાં યોજાતા ફ્લાવર શોને નિહાળવા માટે આ વખતે વધુ રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શોની એન્ટ્રી ફી 10 રૂપિયા વધારીને 20 રૂપિયા કરી દીધી છે. તેમજ શનિવાર અને રવિવારના દિવસે મુલાકાતીઓને 50 રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ, 12 વર્ષના બાળકો અને સિનીયર સિટીઝન્સ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે.

ટિકીટ દરમાં 10 રૂપિયાનો વધારો કરાયો

દર વર્ષે જાન્યુઆરી મહિનામાં રિવર ફ્રન્ટ પર ફ્લાવર શો યોજાતો હોય છે, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. વર્ષ 2018 સુધી અહીં મુલાકાતીઓ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો ન હતો. પરંતુ જાન્યુઆરી, 2019ના ફ્લાવર શોમાં ભીડને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા ફ્લાવર શો માટે 10 રૂપિયા એન્ટ્રી ફી લેવાનું નક્કી કરાયું છે. જ્યારે કે જાન્યુઆરી, 2020ના રોજ યોજાનાર ફ્લાવર શોમાં આ ફીમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. તેથી હવે એએમસી દ્વારા દરેક મુલાકાતી પાસેથી ટિકીટ લેખે 20 રૂપિયા ઉઘરાવવામાં આવશે. તેમજ શનિવાર અને રવિવારના દિવસે 50 રૂપિયા એન્ટ્રી ફી રહેશે.

શનિવાર-રવિવારે વધુ ભીડ ઉમટે છે

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અમદાવાદ AMC આયોજિત ફલાવર શોને સારો પ્રતિસાદ મળતા તેને નિહાળવા માટેની મુદતમાં પણ વધારો કરાયો હતો. એક રવિવારે ભીડ વધી જતા ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, જેને પગલે તંત્ર દ્વારી ફી લેવાનું નક્કી કરાયું હતું. આ કારણે જ શનિવાર અને રવિવારે ટિકીટના દર વધુ રાખવામાં આવ્યા હતા.

(5:07 pm IST)