ગુજરાત
News of Wednesday, 13th November 2019

પીઆઇના જીલ્લા કક્ષાના આંતરિક ફેરફારોમાં ડીજીપીના હુકમોનું ઉલ્લંઘન

એક જ બેચના પીઆઇને એકબીજાની અંડરમાં મુકી દેવાય છેઃ જીલ્લા કક્ષાએ પણ 'સારા'ના બદલે 'મારા'ની નીતિ દ્વારા પોષ્ટીંગ

રાજકોટ, તા., ૧૩: રાજયના અનુભવી પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસ તંત્રને કાર્યક્ષમ બનાવવા માટે તથા દારૂબંધી સહિતના કાયદાઓના કડક અમલ સાથે સમગ્ર ગુજરાતનું પોલીસ માળખુ સુવ્યવસ્થિત રહે અને અંદરોઅંદર કોઇ મતભેદ ન રહે અને મારા નહિ, પણ સારા અધિકારીઓ મહત્વના પદે રહે તે માટેની ચાલતી કવાયતને રાજયના ચોક્કસ જીલ્લાઓમાં રીતસર સ્પીડ બ્રેકર મુકાઇ અને ઉલ્લંઘન થઇ રહયાની વ્યાપક ફરીયાદો પોલીસ વડાની કચેરી તથા ગૃહમંત્રાલય સુધી પહોંચી છે.

દાખલા તરીકે ર૦૧૦ બેચના પોલીસ ઇન્સ્પેકટર કે જેઓ પીએસઆઇમાંથી બઢતી પામેલા તેઓને પોલીસ મથક આપવામાં આવે છે. નવાઇની વાત એ છે કે આજ બેચના પીએસઆઇ કે જેઓને હજુ સુધી બઢતીનો હુકમ ન મળ્યો હોય તેઓને તેમની સિનીયોરીટી ધ્યાને લઇ ખાલી પોલીસ મથકોમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે ચાર્જ આપવાના બદલે તેઓની બેચના પીઆઇની અંડરમાં કામગીરી માટે મુકી દઇ અંદરોઅંદર મતભેદ થાય તેવું વાતાવરણ ચોક્કસ જીલ્લાઓમાં સર્જાઇ રહયું છે.

રાજયના પોલીસ વડા અને ગૃહમંત્રાલય દ્વારા તાજેતરની બઢતીમાં પારદર્શીતા દાખવી પોષ્ટીંગની મહત્વની જવાબદારી સંબંધક જીલ્લાઓને આપતા ચોક્કસ જીલ્લાઓમાં ફિલ્ડનો બહોળો અનુભવ ધરાવતા અને બાતમીદારોનું બહોળુ નેટવર્ક ધરાવતા પોલીસ ઇન્સપેકટરોને મહત્વની બ્રાંચો કે પોલીસ મથકો આપી તેમની શકિતનો ઉપયોગ કરવાને બદલે સજાના સ્થાન જેવા સ્થળે પોષ્ટીંગ અપાઇ રહયાની પણ વ્યાપક ફરીયાદો રાજયના પોલીસ વડા સુધી પહોંચી છે.

અત્રે યાદ રહે કે રાજયના ચોક્કસ જીલ્લાઓમાં પોલીસ મથકો ખાલી હોવા છતા લીવ રીઝર્વમાં રાખવાના હુકમો કરવા, બે વર્ષનો સમયગાળો ન થયો હોવા છતા ચોક્કસ કારણોસર બદલીઓ કરી નાખવી તથા મનફાવે તે રીતે રેન્જો દ્વારા જીલ્લામાં બદલી નાખવા તેવી પધ્ધતી સામે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ લાલ આંખ કરી આવી બદલીઓ માટે ડીજીપી ઓફીસને દરખાસ્ત કરવા માટે ઓર્ડરો છોડયા છે તે જાણીતી વાત છે. ડીજીપી ઓફીસ દ્વારા સાઉથ ગુજરાતમાં તાજેતરમાં જીલ્લા કક્ષાએ થયેલા ફેરફારો અંગેની વિગતોનો પણ અભ્યાસ ચાલી રહયો છે.

(12:09 pm IST)