ગુજરાત
News of Wednesday, 13th November 2019

દાણીલીમડા : એસ્ટેટ કચેરીમાં જુગાર રમતાં ૯ વેપારી ઝડપાયા

રોકડ સહિત ૮૩.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત : તમામ ૯ વેપારી કેમિકલ અને કાપડના વેપારીઓ : મોડી રાત્રે તમામને જામીન પર મુકત કરી દેવામાં આવ્યા હતા

અમદાવાદ, તા. ૧૨ : શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા એક એસ્ટેટની ઓફિસમાં કેમીકલ અને કાપડના વેપારીઓ જુગાર રમતાં રંગેહાથ પોલીસના હાથે ઝડપાતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ૪.૪૭ લાખની રોક્ડ રકમ સહિત રૂ.૮૩.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ પીસીબીએ શાહીબાગ વિસ્તારમાં રેડ કરીને ૪૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દાણીલીમડા પોલીસની સર્વેલન્સ સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે, દાણીલીમડાની કોઝી હોટલ પાછળ પુરષોત્તમ એસ્ટેટમાં આવેલ દર્શન ઇન્ટેક્ષની ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યું છે. પોલીસને બાતમીદારો મારફતે તપાસ કરાવતાં જાણવા મળ્યુ હતું કે, કેટલાક લોકો આર્થિક લાભ માટે મોટા પ્રમાણમાં જુગારધામ ચલાવી રહ્યા છે. બાતમીના આધારે સર્વેલન્સ સ્કવોડની ટીમે જુગારધામ પર દરોડા પાડ્યા હતા.

                જેમાં પરાગભાઇ અમીન (રહે. બેન્ક ઓફ બરોડા સ્ટાફ સોસાયટી, પાલડી), કિશોરભાઈ ખીચડ (રહે. ગોકુલનગર સોસાયટી, વટવા), હરજીવનભાઇ પટેલ (રહે. અનન્ય બંગલોઝ, ઇસનપુર), જિજ્ઞેશભાઇ શાહ (રહે. કાર્યશિરોમણિ ટાવર, શાહીબાગ), સંજયભાઈ ચૌધરી (રહે.ગોકુલ બંગલોઝ, મણિનગર), જિતેન્દ્રકુમાર પટેલ (રહે. નૂતન પાટીદાર સોસાયટી, મણિનગર), દિલીપભાઈ સુરાના (રહે. સ્નેહશુકુન એવન્યૂ, પુષ્પરાજ સોસાયટી, કાંકરિયા), અમિતભાઇ તાપડિયા (રહે.નિર્ગુણ સોસાયટી, મણિનગર), પૂર્વિનભાઈ ઠક્કર (રહે. જયનગર સોસાયટી, મણિનગર) જુગાર રમતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. તેમની પાસેથી પોલીસને ૪.૪૭ લાખની રોક્ડ રકમ તેમજ ૧૩ મોબાઈલ, રૂ. ૭૭ લાખની કાર સહિત ૮૩.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. વસાવાએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા નવ આરોપી કેમિકલ તેમજ કાપડના વેપારી છે અને તેઓ મોજશોખ માટે થોડા-થોડા સમયે જુગાર રમવા માટે બેસતા હતા. બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને તેમની ધરપકડ કરી હતી. જો કે, મોડી રાતે તમામ વેપારીને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા. આ બનાવને પગલે વેપારીઆલમમાં ભારે ચર્ચા જાગી હતી.

(9:07 pm IST)