ગુજરાત
News of Tuesday, 13th November 2018

વડોદરાના વારસિયા વિસ્તારમાં દિવાળી વેકેશન મનાવવા ગયેલ વેપારીના મકાનમાંથી તસ્કરોએ 8 લાખની મતાનો હાથફેરો કર્યો

 વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા અને દિવાળી વેકેશનના કારણે બેગ્લોર ફરવા માટે ગયેલા ગારમેન્ટસના વેપારીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો બેડરૃમની બારીની લોકંડની ગ્રીલ તોડી નાખી મકાનમાથી  રોકડ તેમજ સોનાચાંદીના દાગીના સહિત ૮.૯૨ લાખની મતાની ચોરી કરી ગયા હતા. 

શહેરના વારસિયા વિસ્તારમાં જુનાઆરટીઓ પાછળ આવેલી શારદા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા ૫૧ વર્ષીય સુંદરદાસ હેમનદાસ ખાનચંદાણી રાવપુરા ટાવર ખાતે તેમજ અલકાપુરીમાં કાપડ અને રેડીમેડ ગારમેન્ટસની દુકાન ધરાવે છે. દિવાળીમાં તેમની દુકાનો બંધ હોઈ તે ગત ૮મી તારીખના સાંજે પરિવાર સાથે બેંેગ્લોર અને આસપાસના સ્થળે ફરવા માટે નીકળ્યા હતા. તેમણે મકાનમાં દિવાબત્તી અને પૂજા કરવા માટે મકાનની ચાવી તેમના મોટાભાઈના સાળાના પુત્ર પ્રહલાદ દેવનાનીએ આપી હતી. ગત ૧૦મી તારીખના સવારે પ્રહલાદે તેમને ફોન પર જાણ કરી હતી કે ગઈ કાલે સાંજે હુ તમારા મકાનમાં દિવાબત્તી કરી પોણા સાતે મકાન બંધ કરીને મારી ઘરે ગયો હતો. આજે સવારે સાડા નવ વાગે તમારા ઘરે જઈ મકાનનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં દરવાજો ખુલ્યો નહોંતો જેથી હું પાછળના દરવાજાથી પ્રવેશ કરવા જતા તે દરવાજો ખુલ્લો હોવાની જાણ થઈ હતી. મે અંદર જઈ તપાસ કરતાં બેઠકરૃમની બાજુમાં બેડરૃમની બારીની ગ્રીલ તુટી ગયેલી જણાય છે તેમજ અંદરનો સરસામાન વેરવિખેર છે અને તમામ માળના રૃમોના કબાટો ખુલ્લા છે જેથી તમારા  મકાનમાં ચોરી થયેલી લાગે છે. 

આ વિગતોના પગલે સુંદરદાસ બેંગ્લોરથી નીકળીને ગત રાત્રે બારેક વાગે ઘરે આવ્યા હતા અને મકાનમાં તપાસ કરી હતી જેમાં તેમના મકાનમાંથી તસ્કરો તિજોરી,પલંગ અને કબાટોમાં રાખેલા સોનાના વિવિધ જાતના આશરે ૩૦ તોલાથી વધુના દાગીના , એક કિલો ચાંદીના વાસણો અને સિક્કા તેમજ રોકડાં ૨.૧૫ લાખ સહિત કુલ ૮.૯૨ લાખની મતાની ચોરી કરી ગયા હોવાની જાણ થઈ હતી. આ બનાવની તેમણે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જંગી મતાની ચોરીના પગલે વારસિયા પોલીસે ડોગ સ્કવોર્ડ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદથી ફરાર તસ્કરોનું પગેરુ મેળવવાની તજવીજ શરૃ કરી છે. 

(4:28 pm IST)