ગુજરાત
News of Wednesday, 13th October 2021

વડોદરાના વારસિયા વિસ્તારમાં નજીવી બાબતે બે વ્યક્તિઓ પર હુમલો કરી ઇજા પહોંચાડનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા ચોસઠ જોગણી માતાના મંદિર નજીક માતાજીના મંદિરના નાણાકીય વ્યવહાર સંદર્ભે બે પરિવારો વચ્ચે હાથાપાઈ થતા બે વ્યક્તિને નજીવી ઈજાઓ પહોંચી હતી. બને પક્ષની સામસમી ફરિયાદના આધારે પોલીસે છ શખ્સો વિરુધ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કિશન ભાઇ વાઘેલા ( રહે -તુલસીવાડી, વડોદરા )એ ફરિયાદ નોંધાવી હતી કે, રાજુ નગર ખાતે ભાણીયાની ખબર કાઢવા ગયા હતા જ્યાંથી રિક્ષામાં પરત ફરતા સમયે ધમાભાઈ રામાભાઇ વાઘેલા, સુરેશ ધમાભાઈ વાઘેલા, નરેશ ધમાભાઈ વાઘેલા અને શારદાબેન ધમાભાઈ વાઘેલા (તમામ રહે -જોગણી માતાના મંદિર પાછળ ,વારસિયા, વડોદરા)એ ગામમાં માતાજીના મંદિરના હિસાબ સંદર્ભે ઝઘડો કરી લોખંડની પાઇપ વડે હુમલો કરી ટોળકીએ કિશનભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો તો સામે ધમાભાઈ વાઘેલા (રહે -જોગણી માતાના મંદિર પાછળ ,વારસિયા, વડોદરા)એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે હું સંબંધીની ખબર કાઢવા માટે સયાજી હોસ્પિટલ જતો હતો તે સમયે કિશનભાઈ વાઘેલા તથા ચંદાબેન વાઘેલા રિક્ષામાં ઘસી આવ્યા હતા. અને  તું ગામમાં માતાજીના વ્યવહારનો હિસાબ કેમ આપતો નથી તેમ જણાવી ગડદાપાટુનો માર માર્યો હતો.

(5:58 pm IST)