ગુજરાત
News of Wednesday, 13th October 2021

કેસરી દૈનિકનાં આદ્ય સ્થાપક તંત્રી હરીશભાઇ નાવાણીનું અવસાન

જુનાગઢ તા. ૧૩ :.. જુનાગઢ અને ગાંધીનગરથી પ્રસિધ્ધ થતા કેસરી દૈનિકનાં આદ્ય સ્થાપક તંત્રી હરીશભાઇ નાવાણીનું ટૂંકી માંદગી બાદ ૮૬ વર્ષની વયે નિધન થતા અખબારી જગતે આઘાત અનુભવ્યો છે.

આઝાદી પૂર્વે પાકિસ્તાનનાં હાલ નવાબશા ડીસ્ટ્રીકટમાં જન્મેલ હરીશભાઇ ભારત-પાકિસ્તાનનાં ભાગલા વખતે ગુજરાતમાં આવી વસ્યા હતાં. યુવાની વયમાં ભાવનગર કસ્ટમ વિભાગમાં અધિકારી તરીકે જોડાયા બાદ તેઓ જુનાગઢ સ્થાઇ થયા હતાં અને ૧૯૭૦ માં એટલે કે પ૧ વર્ષ પહેલા ટાંચા સાધનો સાથે કેસરી દૈનિકની સ્થાપના કરી હતી.

જુનાગઢ જિલ્લામાં અખબાર ચલાવવું અને તે પણ ફોર કલરમાં આ ઉપલબ્ધી હરીશભાઇએ સોરઠી પ્રજાનો પ્રેમ મેળવી જીતી હતી. ગાંધીનગર આવૃતિ સહિત સમગ્ર ગુજરાતમાં કેસરીનાં હજારો વાંચકો છે.

આદ્ય તંત્રી હરીશભાઇ નાવાણીનો પ્રજાની પડખે ઉભા રહી તંત્ર પાસે કાર્ય કરવાની અનોખી પધ્ધતી હતી. બે-ત્રણ વર્ષથી તેઓની નાદુરસ્ત તબીયત હોવાથી તેમનાં પુત્ર સુનિલભાઇ નાવાણી કેસરીનાં મુદ્રક-પ્રકાશક અને તંત્રી તરીકે તેમના પિતાનો  પત્રકારત્વનો વારસો સંભાળ્યો છે અને કેસરી દૈનિકની લોકપ્રિયતા-વિશ્વાસનીયતામાં અનેરો ઉમેરો કર્યો છે.

આજે સવારે હરીશભાઇ નાવાણીનું નિધન થતા જુનાગઢ અખબારી જગત તથા સિંધી સમાજમાં આઘાતની લાગણી છવાઇ ગઇ હતી. બપોરે નિકળેલ તેમની સ્મશાનયાત્રામાં રાજકીય-સામાજિક અને અખબાર સાથે સંકળાયેલા વિતરકો, પત્રકારો, બહોળી સંખ્યામાં જોડાયા હતાં.

સદ્ગત હરીશભાઇ પત્ની પદ્માબેન પુત્ર સુનિલભાઇ, પુત્રીઓ વૈશાલીબેન, ભાર્ગવીબેન (બુલબુલબેન) તથા પુત્રવધુ આ સ્થાબેન (પ્રિન્સીપાલ કાલરીયા સ્કુલ), પૌત્ર આદિત્ય અને કહાનને વિલાપ કરતા છોડી ગયા છે.

(1:13 pm IST)