ગુજરાત
News of Sunday, 13th October 2019

નશાની હાલતમાં રહેલા વોન્ટેડ આરોપી રંગેહાથ ઝડપાઈ ગયા

મર્સિડિઝ કારમાંથી પિસ્તોલ પણ કબજે કરાઈ : હત્યાના પ્રયાસ, મારામારી સહિતના ગુનામાં આરોપીઓ સંડોવાયેલા હોવાની ચોંકાવનારી વિગત સપાટી પર આવી

અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી, ખૂનની કોશિશ અને અન્ય ગુનામાં સંડોવાયેલા માથાભારે વોન્ટેડ આરોપીઓને સોલા પોલીસે સાયન્સ સીટી રોડ પરથી દારૂ પીધેલી હાલતમાં મર્સિડિઝ કારમાંથી પિસ્તોલ સાથે ઝડપી પાડ્તાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આરોપીઓ પાસેથી મર્સિડિઝ કાર પણ જપ્ત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, છ મોબાઇલ અને મર્સિડીઝ કાર મળી કુલ રૂ.૩૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સોલા પોલીસે બાતમીના આધારે આજે સાયન્સ સીટી રોડ પરથી એક મર્સિડિઝ કારને આંતરી હતી અને તેની જડતી લઇ અંદર બેઠેલા આરોપીઓની પૂછપરછ કરી હતી. પોલીસની જડતી અને તપાસ દરમ્યાન કારમાં બેઠેલા જીતેન્દ્રગીરી બળદેવપુરી ગોસ્વામી(ઉવ.૪૪)(રહે. સમસાર એલીમેન,એસ.બી.આઈ. ઝોનલ ઓફીસની ગલીમાં આંબાવાડી), પ્રજ્ઞેશભાઈ હર્ષદભાઈ પટેલ (ઉવ.૪૦)(રહે. હરેશાંતી બંગલો, ગોકુળ હોટલની સામે ભાગવત પેટ્રોલ પંપની પાછળ, સોલા) અને માલદેવ રમુભાઈ ભરવાડ (ઉ વ.૨૮)(રહે.એ-૪ જલધારા પારસનગર ઈસનપુર) દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતાં  આરોપી જીતેન્દ્રગીરી સામે વેજલપુર, શાહપુરમાં હત્યાની કોશિશ અને ધાક ધમકીના ગુના નોંધાયા છે જ્યારે આરોપી પ્રજ્ઞેશ સામે વેજલપુર, શાહપુર ક્રાઈમ બ્રાન્ચ, મહેસાણા બી ડિવિઝનમાં ગુના નોંધાયેલા છે, જ્યારે માલદેવ સામે વટવા, અસલાલી, ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આમ, જુદા જુદા પોલીસમથકમાં મારામારી, ખૂનની કોશિશ અને અન્ય ગુનામાં આરોપીઓની સંડોવણી માલૂમ પડી હતી. પોલીસે આરોપીઓ પાસેથી છ મોબાઈલ, એક પિસ્તોલ અને મર્સિડીઝ કાર મળી રૂ.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(9:51 pm IST)